ગાંધીધામ, તા. 28 : આદિપુરમાં રહેનાર એક શ્રમિકને
તમારી લોન પાસ થઈ છે તેવું કહી ઠગબાજોએ રૂા. 1,65,360 પડાવી લીધા હતા. આદિપુરના 4-બી વિસ્તારમાં રહી ખાટુશ્યામ મંદિર પાસે આવેલા મહાવીર પેટ્રોલ
પંપમાં ફિલર તરીકે નોકરી કરતા નારણ મનજી જોશીએ આ બનાવ અંગે ફરિયાદ કરી હતી. તેમણે ક્રેડિટબીએપ
પરથી લોન લઈ ભરી નાખી હતી. બાદમાં અજાણ્યા નંબર પરથી ઠગબાજે તેમને ફોન કરી રૂા. 1,74,000ની લોન મંજૂર થઈ હોવાનું કહ્યું
હતું. ફરિયાદીએ પોતાને પાંચ લાખની લોન જોઈતી હોવાનું કહેતાં ઠગબાજે પહેલાં આ લોન લો, ભરી પછી પાંચ લાખની લોન મંજૂર થવાનું કહ્યું
હતું. આ આરોપીના જાળમાં આવી જઈ ફરિયાદીએ હા પાડી તેના કહેવા મુજબ બટન દબાવ્યા હતા.
દરમ્યાન તેમના ખાતામાં રૂા. 1,65,760 આવી ગયા હતા ત્યારે સામે છેડેના શખ્સે જુદા જુદા ખાતાં મોકલાવી
તેમાં આ રકમ પરત જમા કરાવી દઈ લોન બંધ કરાવો તો તમારી પાંચ લાખની લોન મંજૂર થવાનું
કહ્યું હતું. ફરિયાદીએ તેમ કરી રૂા. 1,65,360 જમા કરાવી દીધા હતા છતાં લોન ચાલુ બતાવતી હોવાથી ફરિયાદીએ સામે
ફોન કરતાં આરોપીઓએ વધુ રકમની માંગ કરતાં પોતે છેતરાયા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ
અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.