• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

રોકાણકારોના સાત લાખ કરોડ ડૂબ્યા

મુંબઈ, તા. 23 : ભારે વેચવાલી અને અમેરિકી ડોલર સામે રૂપિયો વિક્રમી નીચા સ્તરે પહોંચતાં શેરબજારના સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી મોટા કડાકા સાથે ફરી ગગડયા હતા. મુંબઈ શેરબજારનો સૂચકાંક 769.67 અંક તૂટીને 82 હજારની નીચે સરકી જઈ 81537.70 બંધ આવ્યો હતો અને આજની મંદીમાં રોકાણકારોની સાત લાખ કરોડની મૂડીનું ધોવાણ થયું હતું. નિફ્ટી 241.25 અંક નીચો આવીને 25048.65 થયો હતો. બીએસઈ મીડકેપ 1.56 ટકા અથવા 699.21 અંક અને સ્મોલકેપ 2.19 ટકા એટલે 1050.74 અંક તૂટી પડયા હતા. એનએસઇનો નિફ્ટી 241 અંકનાં ગાબડાંએ 25,048 બંધ થયો હતો. દૈનિક ધોરણે 0.95 ટકા તો સાપ્તાહિક ધોરણે 2.51 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 82,307વાળો 82,335 ખૂલી ઘટીને 81,471 સુધી જઇ આવી 769 પોઇન્ટ્સ ઘટી 0.94 ટકા ગુમાવી 81,537ના સ્તરે બંધ હતો.  નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ દૈનિક 1.23 અને સાપ્તાહિક 2.70 ટકાના લોસે 58,473ના સ્તરે બંધ થયો હતો. આઇસીઆઇસીઆઇ બેન્કનો આ ઇન્ડેક્સના ઘટાડામાં ઘણો ફાળો છે. મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ 1.94  ટકાના દૈનિક અને 4.61 ટકાના વીક્લી નુક્સાને 13,066 પર વિરમ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી તો દૈનિક 1.97 ટકા અને સાપ્તાહિક 3.77 ટકા ઘટી 66,260 બંધ હતો. સોમવારે 26મી જાન્યુઆરીની રજા પછી મંગળવારે એનએસઇમાં સાપ્તાહિક તેમ જ માસિક એફએન્ડઓ સેટલમેન્ટ છે. તે પછી ગુરુવારે બીએસઇમાં આવું સેટલમેન્ટ થશે અને રવિવારે બજેટના દિવસે બજાર ખુલ્લું રહેવાનું હોવાથી એના પૂર્વેના ઓળિયા આવતા શુક્રવારે સેટ થશે એવું પીઢ નિરીક્ષકોનું માનવું છે. આ અઠવાડિયે બીએસઇ લિસ્ટેડ કંપનીઓના માર્કેટકેપમાં રૂા. 16 લાખ કરોડનો ઘટાડો થયો હતો. લગભગ તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા હતા. અમેરિકન કોર્ટના સમન્સની હવાએ અદાણી જૂથના શેરો ઉપરાંત પેટીએમ, ઇન્ટરગ્લોબ એવિએશન અને પ્રીમિયર એનર્જીઝના શેરોમાં સારો ઘટાડો જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન ઝિંક દૈનિક 4.30 અને સાપ્તાહિક 9.29 ટકા ઊછળી રૂા. 697ના સ્તરે વિરમ્યો હતો. ચાંદીના ભાવ કોમેક્સમાં 100 ડોલર આસપાસ પહોંચવાની તૈયારીમાં હોવાની અસર હતી. બંધન બેન્ક શુક્રવારે 4.31 ટકા સુધરતાં સાપ્તાહિક ધોરણે 2.60 ટકાનો સુધારો નોંધાયો હતો. ભારે વેચાણ દબાણ હેઠળ રહેલો  નિફ્ટી રિયલ્ટી સૌથી ખરાબ પ્રદર્શન કરી શુક્રવારે 3.34 ટકા અને સાપ્તાહિક 11.33 ટકા ઘટી 756 થઇ ગયો હતો. અદાણી ગ્રીન એનર્જીનાં ચ3 પરિણામો આવ્યાં પછી 13.81 ટકા ઘટી રૂા. 779 બંધ હતો. સાપ્તાહિક ધોરણે 16.20 ટકાનું ગાબડું જોવાયું હતું. ત્રીજા ક્વાર્ટરમાં રૂા. 1547 કરોડના અપવાદરૂપ નુકસાનની જાણ કર્યા પછી ઇન્ટરગ્લોબ એવિએશન 4 ટકાના લોસે રૂા. 4715ની સપાટીએ વિરમ્યો હતો. એનએસઇ લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂા. 449.27 (456.22) લાખ કરોડના સ્તરે આવી જતાં ઇન્વેસ્ટરોની મૂડીમાંથી એક જ દિવસમાં રૂા. સાત લાખ કરોડની બાદબાકી થઇ હતી. બીએસઇમાં એ રૂા. 451.56 (458.52) લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું.  

Panchang

dd