નવી દિલ્હી, તા.13 (પીટીઆઈ)
: શેરી અને માર્ગો પર રખડતા શ્વાનના મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે સખત વલણ લેતાં જણાવ્યું
હતું કે શ્વાન કરડવાની ઘટનાઓ માટે કોર્ટ રાજ્યોને `ભારે વળતર' ચૂકવવા
માટે કહેશે. સર્વોચ્ચ અદાલતે છેલ્લા પાચ વર્ષથી રખડતા પશુઓ અંગેના નિયમોના અમલીકરણમાં
નિરસતા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ
મહેતા અને નિલય વી. અંજારિયાની બેન્ચે જણાવ્યું હતું કે શ્વાન કરડવાની ઘટનાઓ અંગે શ્વાનપ્રેમીઓ
અને તેમને ખવડાવનારાઓને પણ જવાબદાર અને ઉત્તરદાયી ગણવામાં આવશે. જસ્ટિસ નાથે જણાવ્યું
હતું કે બાળકો અને વડીલોને શ્વાન કરડવા,
મૃત્યુ અથવા ઈજા થવાની દરેક ઘટના માટે અમે રાજ્ય સરકારોને ભારે વળતર
ચૂકવવાનું કહેવા જઈ રહ્યા છીએ કેમકે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં નિયમોના અમલીકરણ પર
કાંઈ જ કર્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે
આ રખડતા શ્વાનોને જે લોકો ખવડાવે છે તેમની પણ જવાબદારી અને ઉત્તરદાયિત્વ નક્કી
કરવામાં આવશે. જો તમને આ પ્રાણીઓ પ્રત્યે આટલો જ પ્રેમ છે તો તમે તેમને તમારા ઘેર કેમ
લઈ જતા નથી ? આ શ્વાનો શા માટે રખડે, લોકોને
કરડે કે ડરાવે એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
જસ્ટિસ મહેતાએ પણ જસ્ટિસ નાથના મંતવ્ય સાથે સહમતિ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું
કે જ્યારે કોઈ નવ વર્ષના બાળક પર કૂતરો હુમલો
કરે ત્યારે કોને જવાબદાર લેખવા જોઈએ? તમે અમને આ સમસ્યા તરફ તમારી
આંખ બંધ કરવા માટે જણાવી રહ્યા છો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ સાતમી નવેમ્બર,
2025ના તેના આદેશમાં સુધારો કરવાની
માંગ કરતી કેટલીક અરજીઓની સુનાવણી કરી રહી હતી જેમાં સત્તાવાળાઓને સંસ્થાકીય વિસ્તારો
અને રસ્તાઓ પરથી આ રખડતા પશુને હટાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો.