નવી દિલ્હી, તા. 2 : ઈઝરાયલ
અને ઈરાન વચ્ચે ભીષણ બની ચૂકેલાં યુદ્ધ પર સોમવારે પહેલીવાર પ્રતિક્રિયા આપતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ,
સંયમ અને સંવાદથી સમાધાન લાવવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન
મોદીએ આજે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરીને પશ્ચિમ
એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. મોદીએ યુદ્ધના ઘટનાક્રમ પર ભારતની
ચિંતાઓથી પણ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને વાકેફ કર્યા હતા. દરમ્યાન ગઈકાલે
રવિવારની રાત્રે વડાપ્રધાન મોદીએ યુએઅઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ
નાહયાન સાથે પણ વાત કરી હતી. મોદીએ ખાડી
દેશો પર થયેલા હુમલાની ટીકા કરતાં કહ્યું હતું કે, ભારત આ
કઠિન સમયમાં યુએઈ સાથે એકજૂટ થઈને ઊભું છે. પશ્ચિમ એશિયામાં સ્થિતિ ચિંતાજનક છે.
ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે બધા દેશોની સાથે મળીને કામ કરશે, તેવું વડાપ્રધાને કહ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, ભારત વાતચીત કરીને કોઈ પણ વિવાદનું સમાધાન લાવવાના પક્ષમાં છે., તેમણે યુદ્ધમાં સામેલ દરેક પક્ષને સંઘર્ષ છોડી શાંતિનો માર્ગ અપનાવવાની
અપીલ કરી હતી.