ક્વેટા, તા.2 : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં
ચીન જલ્દી તેની સેના તૈનાત કરશે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલુચે ભારતના વિદેશમંત્રી
જયશંકરને પત્ર લખી આ મામલે ચિંતા વ્યકત કરી છે. આ પત્રમાં બલુચ નેતા મીરે ભારતને ચેતવતાં
કહ્યું હતું કે, ચીન અને પાકિસ્તાન વચ્ચે
વધી રહેલી નીકટતાને ગંભીરતાથી લેવાની જરૂર છે. મીર યારે સોશિયલ મીડિયા મંચ `એક્સ'
પર જયશંકરને લખેલો આ પત્ર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, પાકિસ્તાન વર્ષોથી બલુચિસ્તાનનું સતત શોષણ કરી રહ્યું છે. ચીન પાકમાં પોતાની
સેના તૈનાત કરવા જેવું કોઈપણ પગલું ભરશે તો તે ભારત તેમજ બલુચિસ્તાન બંનેના ભવિષ્ય
માટે ખતરો બની શકે છે, તેવું મીરે નોંધ્યું હતું. મીર યાર બલુચે
ભારત અને બલુચિસ્તાન વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો પણ પત્રમાં
ઉલ્લેખ કર્યો હતો. તેમણે હિંગલાજ માતાજી મંદિર જેવા પવિત્ર સ્થળોને ભારત અને બલુચિસ્તાનના સહિયારા વારસાના પ્રતીક લેખાવ્યા હતા.
મીરે ભારત અને પાકિસ્તાન વચ્ચે નક્કર અને પરસ્પર સહયોગની અપીલ કરતાં કહ્યું હતું કે,
બંનેને જે ખતરાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે વાસ્તવિક અને ગંભીર છે