• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

નવા વર્ષના આરંભે જ મોંઘવારીનો માર

નવી દિલ્હી, તા. 1 : નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ ફુગાવો વધ્યો છે. સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (19 કિલો)ના ભાવમાં રૂા. 111નો વધારો ઝિંક્યો હતો. આ વધારાનો ગુરુવારથી અમલ શરૂ થયો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયો માટે ખર્ચ વધશે. જો કે, સરકારે ઘરેલુ એલપીજી બાટલાના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તો બીજીતરફ એટીએફ (વિમાન ઈંધણ)ના ભાવમાં સરકારે ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત કેટલીક કાર કંપનીઓએ પણ પોતાના વાહનોના ભાવમાં વધારો કર્યો હતો. એક મીડિયા હેવાલ મુજબસરકારે કોમર્શિયલ એલપીજી બાટલાના ભાવમાં 111નો વધારો કરતાં દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે રૂા. 1691.50 થશે. કોલકાતામાં રૂા. 1795, મુંબઈમાં 1642.50 થઈ જશે. - વિમાન મુસાફરી સસ્તી થઈ : એક તરફ ઓઇલ માર્કાટિંગ કંપનીઓએ એલપીજીના ભાવમાં વધારો કરીને આંચકો આપ્યો છે, તો બીજી તરફ હવાઈ મુસાફરો માટે રાહતના સમાચાર આપ્યા છે. કંપનીઓએ એવિએશન ઇંધણ અથવા જેટ ઇંધણ (એટીએફ)ના ભાવ ઘટાડ્યા છે. દિલ્હીમાં તેની કિંમત રૂા. 99,676.77થી ઘટાડીને રૂા. 92,323.02 પ્રતિ કિલોલીટર કરવામાં આવી છે. - કારની કિંમતમાં વધારો : કાર ખરીદનારાઓ માટે ઝાટકારૂપ હેવાલ સામે આવ્યા છે. ઘણી મોટી કાર કંપનીઓએ વધતા ઇનપુટ ખર્ચ અને ઓપરેશનલ ખર્ચને ટાંકીને તેમની કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જર્મન કાર ઉત્પાદક મર્સિડીઝ-બેન્ઝે તેના તમામ મોડેલોના ભાવમાં 2 ટકાનો વધારો કર્યો છે, તો બીએમડબ્લ્યુએ પણ ભારતમાં વેચાતી તેની કારની કિંમત 3 ટકા વધારી છે. ચીની કાર ઉત્પાદક બીવાયડીએ તેના એક મોડેલના ભાવમાં વધારો કર્યો છે, જ્યારે એમજી મોટર્સ બધા પેટ્રોલ, ડીઝલ અને ઈવી વેરિઅન્ટમાં 2 ટકાનો વધારો કરી રહી છે. જાપાની કાર ઉત્પાદક નિશાનએ 3 ટકાને, જ્યારે રેનોએ બધા મોડેલોમાં 2 ટકાનો વધારો કર્યો છે. તે ઉપરાંત આ મહિને હોન્ડા કંપની પણ તેની કારના ભાવ પણ વધે તેવી સંભાવનાઓ છે. 

Panchang

dd