• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

એસ.ટી.નો ભાડાંવધારો; મધ્યમવર્ગની મુસાફરી મોંઘી બની

રાજ્ય પરિવહન નિગમની બસનાં ભાડાંમાં નવાં વર્ષના પ્રથમ દિવસથી જ વધારો લદાયો છે. સામાન્ય પ્રજામાં આ નિર્ણયનો પડઘો એવો જ છે કે, આને લીધે ખિસ્સાં ઉપર ભારણ વધશે. વિશેષત: મધ્યમ, નિમ્ન મધ્યમવર્ગના લોકોની મુસાફરી મોંઘી બનશે. પ્રશાસન કે સરકાર પાસે તેનાં પોતાનાં કારણ છે, છતાં સરકારી સેવા થોડી પણ મોંઘી બને તે જનસામાન્યને ગમે નહીં તે સ્વાભાવિક છે. પ્રજા નારાજ વધારે થાય તેનું કારણ એ છે કે, નવ જ માસના ગાળામાં એસ.ટી. બસનાં ભાડાંમાં કુલ 13 ટકાનો વધારો થયો છે. એસ.ટી. તંત્રની ગંજાવર ખોટ જોતાં ભાડાંવધારો તેના માટે અનિવાર્ય છે, પરંતુ જનતાનાં ખિસ્સાં ઉપર તો ભારણ વધે તે નક્કી છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને તેમની તમામ સ્તરની બસનાં ભાડાંમાં ત્રણ ટકાનો ભાવવધારો કર્યો છે. સામાન્ય જનતાને આ ગમ્યું ન હોય તે સ્વાભાવિક છે. ભલે દશેરા કે દિવાળીના દિવસે નવી મોટરકાર ખરીદાયાના અહેવાલો માધ્યમમાં આવે, પરંતુ બહુ મોટો વર્ગ છે, જેનાં પરિવહનનું માધ્યમ આ એસ.ટી.ની બસ છે. નોકરી માટે અપડાઉન કરતા કર્મચારીઓ, વ્યવસાયીઓ, સેલ્સમેનથી લઈને અન્ય મુસાફરો એસ.ટી.માં મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એસ.ટી.ની બસોમાં આવન-જાવન કરે છે. માર્ચ 2025માં ભાડાંમાં વધારો થયા પછી ફરી ડિસેમ્બર 2025ના છેલ્લા દિવસે વધારો થયો છે. નવ માસમાં 13 ટકાનો વધારો છે તેથી તેની ચર્ચા છે. એ વાત સાચી છે કે, એસ.ટી. અથવા સરકારની કોઈ પણ સેવા નફાના ઉદ્દેશથી ચાલતી નથી. તેથી નફો લક્ષ્ય ન હોય, પરંતુ ખોટ ઘટે તે જરૂરી છે. એસ.ટી. નિગમ ખોટ કરે છે તે વાસ્તવ છે અને તે સંખ્યા પણ નાની નથી. 2024-25નાં વર્ષમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની ખોટ 1802 કરોડ રૂપિયા હતી. પ્રીમિયમ બસોમાં છેલ્લાં પાંચ વર્ષમાં 174 કરોડની ખોટ હતી. 2019નું વર્ષ એવું હતું કે, એસ.ટી.ની આવક વધી તો પણ ખોટ તો હતી જ. કોરોના સમયે બંધ રહેલું પરિવહન આમાં સૌથી મોટો ભાગ ભજવી ગયું છે. હવે આ સરકારી સેવા અંતર્ગત પણ વોલ્વો જેવી વાતાનુકૂલિત અને સુવિધાવાળી બસો મળે છે. પરિવહન સુગમ બન્યું છે. નવી, અદ્યતન ટેક્નોલોજીવાળી બસ ખરીદવા અને તેને વ્યવસ્થિત સંચાલિત કરવા માટે નાણાં જોઈએ. કર્મચારીઓના પગાર, વિવિધ વહીવટી ખર્ચ સહિતની બાબતો છે, જેમાં ઘટાડો શક્ય નથી. એસ.ટી. એવી સેવા છે, જે નાનાં ગામડાં સુધી પહોંચે છે. કચ્છ જેવા દેશના સૌથી વિશાળ ભૂભાગમાં પથરાયેલા જિલ્લામાં પરિવહન માટે એસ.ટી. આધાર છે. એક જમાનો હતો, જ્યારે ખાનગી સેવા નહોતી વિસ્તરી અને બાઇક-કાર શ્રીમંતો પાસે જ હતાં, ત્યારે એસ.ટી. બસના ડ્રાઇવર-કંડક્ટર સાથે ગ્રામજનોનો-મુસાફરોનો ઘરોબો કેળવાઇ જતો. રાત્રિરોકાણ કરતી બસના સ્ટાફ માટે સરપંચ તરફથી ભોજન-રહેવાની વ્યવસ્થા થાય. કાચા રસ્તા, જંગલનો માર્ગ જેવી સ્થિતિમાં ફક્ત બે જ મુસાફર હોય તોય રૂટ ચાલતા રહે છે. આ બધાને પહોંચી વળવા પૈસા તો જોઈએ, જે વધારો થયો છે તેને કારણે હવે દરરોજ રૂા. 27 લાખની આવક વધશે. એસ.ટી. તંત્ર તેને લીધે નફો તો નહીં જ કરે, પણ ખોટ થોડી ઓછી થશે, જે સેવા એસ.ટી. આપે છે તે આખરે એસ.ટી. જ આપી શકે તે પણ સાચી વાત છે, પરંતુ પ્રજાના દૃષ્ટિકોણથી જોઇએ તો પણ વાત એ છે કે, આ સેવા આખરે તો એસ.ટી. જ આપી શકે તેમ છે, તેથી શક્ય તેટલા ઓછા ભાડાંવધારા સાથે તે સેવા મળવી જોઈએ. વિજ્ઞાપનથી લઈને અન્ય રસ્તા એસ.ટી. તંત્ર અપનાવે અને મુસાફરો પ્રત્યે સેવાભાવ ચાલુ રાખી અન્ય રીતે કોમર્શિયલ માર્ગ લે તો ખોટ પણ ભરપાઈ થાય અને પ્રજાની મુસાફરી સસ્તી થઈ શકે. 

Panchang

dd