• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

2027ના વિશ્વકપ બાદ વન-ડેનું ભાવિ ધૂંધળું

નવી દિલ્હી, તા. 2 : ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે 2027ના વન-ડે ક્રિકેટ  વર્લ્ડ કપ બાદ જ્યારે તેના બે મહાન ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્ત થશે ત્યારે 50 ઓવરના આ ફોર્મેટના અસ્તિત્વ અને સુસંગતતા માટે સંઘર્ષ કરવો પડશે. અશ્વિનનું કહેવું છે કે મને લાગે છે કે વન-ડે ક્રિકેટનું ભવિષ્ય અંધકારમય બની રહેવાનું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં રમાઈ રહેલી વિજય હઝારે ઘરેલુ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે તો પણ ટૂર્નામેન્ટનું આકર્ષણ વધી ગયું છે. તેમાંય રોહિત શર્મા મુંબઈ માટે રમવાનો હતો ત્યારે જયપુર ખાતે તે મેચ નિહાળવા માટે 20 હજારથી વધુ પ્રેક્ષકો ઉમટી પડયા હતા. અગાઉ કયારેય વિજય હઝારે ટ્રોફીમાં આમ બન્યું ન હતું. અશ્વિને જણાવ્યું હતું કે જે રીતે ટી-20 લીગ ક્રિકેટનો વ્યાપ વધી રહ્યાાઁ છે અને ટેસ્ટ ક્રિકેટનું પણ મહત્વ વધી રહ્યું છે કેમ કે તેને પણ એટલું જ પ્રમોટ કરવામાં આવે છે. આ સંજોગમાં 50 ઓવરના ક્રિકેટમાં ધીમે ધીમે મંદી આવી  રહી છે.  તેણે સોશિયલ મીડિયા પર પોતાની યુ - ટયૂબ  ચેનલ પર કહ્યું હતું કે 2027ના વર્લ્ડ કપ બાદ વન-ડે ના ભવિષ્ય વિશે મને કોઇ ખાતરી નથી. અલબત્ત, હું વિજય હઝારે ટ્રોફીને ફોલો કરી રહ્યો છું પરંતુ જે રીતે આ અગાઉ હું મુસ્તાક અલી ટ્રોફી (ટી-20)ને ફોલો કરતો હતો તેટલા રોમાંચથી હું વન-ડે ફોર્મેન્ટની ટૂર્નામેન્ટમાં રસ દાખવી શકતો નથી. આમ કરવામાં મને ખુદને થોડી તકલીફ પડી  રહી છે. અશ્વિને ઉમેર્યું હતું કે આમ છતાં પ્રેક્ષકો શું ઇચ્છે છે તે આપણે જોવાની જરૂર છે પરંતુ મારા મતે ટેસ્ટ ક્રિકેટર માટે હજી પણ જગ્યા છે પરંતુ ટી-20 બાદ વન-ડે ક્રિકેટને પ્રેક્ષકો તરફથી પ્રાથમિકતા સાંપડી રહી નથી તે પણ કબૂલવું રહ્યું.  રમતના ફોર્મેટમાં મળીને 765 વિકેટ સાથે ભારતના બીજા સૌથી સફળ બોલર અશ્વિને જણાવ્યું હતું કે ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્માની વિદાય બાદ મર્યાદિત ઓવરના આ ક્રિકેટ અંગે કાંઈ કહેવું જોખમ ભરેલું છે. કોહલી અને રોહિતને મળીને વન-ડે ફોર્મેટમાં 86 સદી ફટકારેલી છે. કમસે કમ નજીકનાં ભવિષ્યમાં ભારતને આટલા સારા બેટર મળવાની શક્યતા ઘણી ઓછી છે. 

Panchang

dd