• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

શાળાઓમાં અખબાર વાંચન : યોગી સરકારની ઉમદા પહેલ

ઇશુનાં નવાં વર્ષ 2026નાં આગમન સાથે દુનિયા સમયચક્રના વધુ એક ગતિશીલ દોરમાં પરોવાઇ જશે. આવનારો સમય આર્થિક ઉન્નતિનો હશે એવા આશાવાદ સાથે વિવિધ મોરચે પડકારો ઝીલવાનીય તૈયારી કેળવવી પડશે. વિશેષ તો માનવમૂલ્યોનો ઘસારો રોકવા, સોશિયલ મીડિયાનો દુ:ષ્પ્રભાવ નિયંત્રિત કરવાનો મુદ્દો મનોમંથન માગી લે છે. યુવા પેઢીની દુનિયા ત્રણ બાય દસ ઇંચના મોબાઇલ ક્રીનમાં સંકોરાઇ ગઇ છે. છાત્રો અભ્યાસનાં પાઠયપુસ્તકો પરાણે હાથમાં લે એ સિવાય ડિજિટલ બૂક પર મદાર... ભણવાનું, નવા પ્રોફેશનલ કોર્સિસ... બધું ઓનલાઇન. ચાલો માની લઇએ કે, દુનિયા કા યહી દસ્તૂર હૈ... પણ એની આડઅસર વિશે વિચારવું જરૂરી છે. અંતરમનનું ટોનિક કહેવાતાં અખબાર, પુસ્તકો વાંચવાનું ચલણ  ઘટતું જાય છે એ મોટી ચિંતાની વાત છે. ડિજિટલ મીડિયા પર મદાર ખૂબ વધી રહ્યો છે એવા સમયે ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા શાળાઓમાં અખબાર-વર્તમાનપત્ર વાંચવા ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. સવારની પ્રાર્થના દરમ્યાન દસ મિનિટ સુધી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચારો અને તંત્રીલેખ વાંચવા ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત રોજ પાંચ અઘરા  શબ્દ બ્લેકબોર્ડ પર તેની સમજ સાથે લખવામાં આવશે. યોગી સરકારની પહેલથી બાળકોમાં વાંચન સંસ્કૃતિ વિકસશે. શબ્દ અને સામાન્યજ્ઞાનમાં વધારો થશે અને મોબાઇલ તરફનું ખેંચાણ ઘટશે. બાળકોમાં વાંચનની ટેવ પડે, એનાથી તેમની બુદ્ધિ-કૌશલ્યનો રેશિયો ઊંચો જશે. લાંબે ગાળે તેનો પરિવારને-સમાજને ફાયદો થશે. આજે પુસ્તકોથી-અખબારોથી દૂર થઇ જઇ રહેલી પેઢી ફરી એ દિશામાં યુ-ટર્ન લેશે, તો પુસ્તકાલયોમાં ગિરદી જામવા લાગશે. આ એવી પહેલ છે જેને દેશનાં બીજાં બધાં રાજ્યો અપનાવી શકે. વાચકોને અહીં એ યાદ અપાવીએ કે, શાળા કક્ષાએથી જ બાળકોને છાપું વાંચવાની આદત પડે એ હેતુથી `કચ્છમિત્ર જુનિયર' સાપ્તાહિક અખબારનું પ્રકાશન બે વર્ષથી કરવામાં આવી રહ્યું છે. આજે પરિસ્થિતિ ચિંતાજનક છે. એક સમયે ચંપક, ચાંદામામા, પંચતંત્રની વાર્તાઓ ને બકોર પટેલ વાંચવા પડાપડી થતી. એ વયજૂથનાં બાળકો પુસ્તક કે સામયિકનાં પાનાં ફેરવતાં ભૂલી ગયાં છે. તેમની આંગળીઓ મોબાઇલ ઝડપથી ક્રોલ કરીને જાતજાતની દુનિયામાં એપ-રીલમાં ખોવાયેલા રહે છે. એક સર્વે મુજબ ભારતમાં પાંચ વર્ષની વયનાં બાળકો દરરોજ બે કલાક કરતાં વધુ સમય મોબાઇલમાં વીતાવે છે. એક ચોંકાવનારું તારણ એવું પણ છે કે, બે વર્ષનાં ભૂલકાંના હાથમાં-આંખો સામે એક-દોઢ કલાક મોબાઇલ રહે છે. દર ચારમાંથી એક બાળક ઇન્ટરનેટ યુઝર છે. ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાની વયના માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે, પરંતુ ભારતમાં તો દસ વર્ષથી નાનાં બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે. ઉત્તરપ્રદેશ સરકારે સવારનાં પ્રાર્થના સત્રમાં બાળકોને હિન્દી-અંગ્રેજી અખબાર વાંચવા આપવાનો નિર્ણય કર્યો છે. અત્યારે આ નિર્ણય બધી સરકારી સેકન્ડરી અને પ્રાથમિક શાળાઓ માટે છે. ખાનગી શાળાઓ પણ ઇચ્છે તો તેનો અમલ કરી શકે છે. બાળકોને શાળાનાં પાઠયપુસ્તકો સિવાયના વાંચનની ટેવ પાડવી જોઇએ. તમામ સર્વે અને મોજણીમાં એ સાબિત થયું છે કે, આજે પણ વર્તમાનપત્ર સૌથી ભરોસાપાત્ર માધ્યમ છે. સોશિયલ મીડિયામાં સમાચારોનું પૂર ઊમટતું હોય, પણ તેની કોઇ વિશ્વસનિયતા કે જવાબદેહિતા નથી હોતી. આપણી ગુજરાત સરકારના સૌજન્યશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉ.પ્રદેશ સરકારની પહેલને અનુસરે એવી અપેક્ષા રાખીએ. 

Panchang

dd