નવી દિલ્હી, તા. 2 : ઈરાન મોંઘવારીની આગમાં સળગી રહ્યું છે. તૂટી રહેલી અર્થવ્યવસ્થા, બેલગામ મોંઘવારી અને ઘટી રહેલી મુદ્રાએ લોકોની સહનશક્તિની મર્યાદા પાર કરી દીધી છે. હવે આંદોલનની આગ રાજધાની તેહરાનથી બહાર નીકળીને ગ્રામીણ પ્રાંત સુધી ફેલાઈ ચૂકી છે. આ દરમિયાન ગુરુવારે ઓછામાં ઓછા સાત લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ હતી, જેમાં પ્રદર્શનકારી અને સુરક્ષા દળના સભ્ય સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે તેમજ આશંકા છે કે, હવે શાસન-પ્રશાસન વધારે કડકાઈ બતાવી શકે છે. અમેરિકા અને ઈરાન પણ આમનેસામને આવી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવી ચેતવણી આપી છે કે, ઈરાને દેખાવકારોને માર્યા તો અમેરિકા હસ્તક્ષેપ કરશે, ત્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીના નજીકના સલાહકાર અલી લારીજાનીએ વળતો વાર કરતાં કહ્યું હતું કે, યુ.એસ. પોતાના સૈનિકોની ચિંતા કરે, બીજાની બાબતમાં હસ્તક્ષેપ કરશો તો અફરાતફરી મચી જશે. દરમ્યાન ડોલર સામે રિયાલ ઘટીને 14 લાખ સુધી ઊતરી ગયું છે. ઈરાનની સડકો ઉપર સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખોમેની સામે ખુલ્લેઆમ નારેબાજી થઈ રહી છે. ઈરાનની સડકો ઉપર જોવા મળતો આક્રોશ માત્ર નારેબાજી સુધી સીમિત નથી. સૌથી વધારે ઉગ્ર આંદોલન અઝના શહેરમાં જોવા મળ્યું હતું. જે તેહરાનથી 300 કિ.મી.એ આવે છે. સોશિયલ મીડિયામાં ફરતી તસવીરો અને વીડિયોમાં સડકો ઉપર આગ, ગોળીબારનો અવાજ અને ભીડની નારેબાજી જોવા અને સાંભળવા મળી રહી છે. આ વિસ્તારમાં જ ત્રણનાં મૃત્યુના અહેવાલ સામે આવ્યા હતા. ચહારમહલ ઓ બખ્તિયારી પ્રાંતના એક વીડિયોમાં પણ ગોળીબારના અવાજ સાંભળવા મળ્યા હતા અને આ વિસ્તારમાં બે લોકોનાં મૃત્યુના અહેવાલ હતા. આ દરમિયાન કુહદશ્ત શહેરમાં થયેલાં પ્રદર્શનો બાદ સ્થાનિક કાજેમ નાજરીએ કહ્યું હતું કે, અંદાજિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. બુધવારે રાત્રે થયેલાં એક અલગ પ્રદર્શનમાં અર્ધસૈનિક દળ રિવોલ્યુશનરી ગાર્ડ સંબંધિત બસીઝ સંગઠનના એક સ્વયંસેવકનું મૃત્યુ થયું હતું. ટ્રમ્પની આ ચેતવણીની પ્રતિક્રિયામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખોમેનીએ પણ વળતી ધમકી આપી હતી અને કહ્યું હતું કે, આંદોલનમાં ટ્રમ્પ કૂદશે તો તબાહી મચી જશે. અમેરિકી હસ્તક્ષેપથી સમગ્ર ક્ષેત્રમાં અવ્યવસ્થા ફેલાઈ જશે, તેવું ખોમેનીના વરિષ્ઠ સલાહકારે શુક્રવારે જણાવ્યું હતું. એવું મનાઈ રહ્યું છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખોમેનીને સત્તા પરથી હટાવવાની ઝુંબેશ છેડનાર પ્રદર્શનકારીઓને અમેરિકાનું સમર્થન છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા મંચ પરથી ઈરાનની સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, ઈરાન શાંતિથી પ્રદર્શન કરતા દેખાવકારો પર ગોળી ચલાવશે તો અમેરિકા તેમને બચાવવા આગળ આવશે.