• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

નૂતન વર્ષ સુખ-શાંતિ આપશે?

સંપાદકીય.. કુન્દન વ્યાસ : ઈશુનું નવું વર્ષ 2026 ભારત માટે સલામતી અને વિકાસનું બની રહે એવી આશા - વિશ્વાસ સાથે શરૂ થાય છે. આંતરરાષ્ટ્રીય તખતા ઉપર ડામાડોળ સ્થિતિ છે. સંજોગ અને સંબંધ બદલાઈ રહ્યા છે. આપણા પાડોશી દેશોમાં પણ અરાજકતા અને અશાંતિ છે, ત્યારે ભારત આ સ્થિતિમાં સલામત અને વિકાસશીલ છે. ભારતનું અર્થતંત્ર સાબૂત છે. વડાપ્રધાન મોદીએ સુધારાની ગાડી વધુ ગતિશીલ બનાવવાની ઘોષણા કરી છે. અર્થતંત્ર મજબૂત અને ભારતની સેના સશક્ત-સાવધાન હોવાથી આપણો આત્મવિશ્વાસ વધે છે અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ ઝડપી બની રહ્યું છે. વિદેશી આર્થિક-વ્યાપારી પડકાર અને પાડોશી દેશની ધમકીઓમાં - સ્વદેશી વિપક્ષો સૂર પુરાવી રહ્યા છે, પણ જનતા મોદીને સમર્થન વધારી રહી છે. નક્સલવાદ અને ઘૂસણખોરીનો અંત લાવવાની ઘોષણા નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે કરી છે, તે સિદ્ધ થતાં આર્થિક વિકાસ હરણફાળ ભરશે એવો વિશ્વાસ આપણને પણ છે.

વીતેલાં વર્ષમાં સર્વત્ર અશાંતિ, અરાજકતા અને યુદ્ધની હવા ફેલાઈ છે. બીજાં વિશ્વયુદ્ધ પછી વિશ્વની યુવા પેઢીને માત્ર ફિલ્મોમાં લડાઈનાં દૃશ્યો જોવા મળતાં હતાં, પણ હવે નજર સામે યુદ્ધ જોવા મળે છે! આતંકવાદી સરકારો પણ છે! વિશ્વયુદ્ધનાં વાદળ ઘેરાયાં છે અને ભણકારા વાગી રહ્યા છે ત્યારે સર્વત્ર અસલામતીનું વાતાવરણ છે. મહાસત્તાઓ સામસામે ધમકીઓ આપે છે. વિશ્વ જાણે ધ્રુજારી અનુભવી રહ્યું છે, ત્યારે ઈશુનું નવું વર્ષ - 2026 કેવા ભવિષ્યની આશા આપે છે ? નૂતન વર્ષ સુખ-શાંતિ આપશે?

સલામતી અને શાંતિ માત્ર સરહદની નહીં - આર્થિક અને માનસિક પણ હોવી જોઈએ. `િવશ્વમાં મુક્ત વ્યાપાર-ગ્લોબલાઇઝેશન શરૂ થયા પછી હવે તૂટી ગયું છે ! અમેરિકાએ ટેરિફ વોર શરૂ કર્યા પછી વિશ્વ જાણે વેરવિખેર થઈ રહ્યું છે. અમેરિકા અને યુરોપમાં અન્ય દેશોના લોકોને પ્રવેશ અને આવકાર મળતો હતો. ભારતના શિક્ષિત યુવાવર્ગ વસાહતી બન્યા અને વિકાસમાં યોગદાન આપ્યું. હવે `અમેરિકા ફર્સ્ટ' છે ! ઉપપ્રમુખ વાન્સ તો કહે છે : ખ્રિસ્તી ધર્મીઓને બચાવવા જોઈએ. વસાહતીઓ નોકરી-ધંધા ખૂંચવીને સ્થાનિક લોકોને બેકાર બનાવે છે ! યુરોપમાં પણ વસાહતીઓ સામે અણગમો અને આક્રોશ વધી રહ્યો છે. અલબત્ત, આ સ્થિતિ માટે વસાહતીઓનો એક વર્ગ જવાબદાર હોવાથી `ધર્મ-યુદ્ધ'ની ધમકીઓ અપાઈ રહી છે.

પ્રમુખ ટ્રમ્પે `રશિયાને પાઠ' ભણાવવા માટે ભારત ઉપર દબાણ શરૂ કર્યું. પાકિસ્તાનના મુનીરની પીઠ થાબડી અને હાથ પકડયા છે, પણ ટ્રમ્પ ચીન ઉપર દબાણ કરી શકતા નથી. યુક્રેન ઉપરનું રશિયન આક્રમણ ગંભીર તબક્કામાં છે - હવે યુદ્ધવિરામ અને શાંતિ માટે પ્રયાસ થઈ રહ્યા છે, પણ વિશ્વને ડામાડોળ કરીને ટ્રમ્પ હવે શાંતિના નેતા બન્યા છે!

વિશ્વની આ સ્થિતિ અને બદલાતા રાજદ્વારી સંબંધમાં ભારતે સ્વદેશનાં સલામતી અને સન્માન જાળવ્યાં છે. રાજદ્વારી સમતુલા પણ જાળવી છે. આપણા પાડોશી દેશ - નેપાળ અને બાંગલાદેશમાં સરકારો સત્તાભ્રષ્ટ થયા પછી હિંસાચાર વધ્યો છે. અનિશ્ચિતતાનો અંત 2026માં આવશે એવી આશા રાખીએ, પણ બાંગલાદેશમાં હિન્દુવિરોધી પ્રચાર કરાવ્યા પછી પાકિસ્તાન ઇતિહાસ બદલવા માગે છે. હવે આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણી પાર પડે અને અનિશ્ચિતતા દૂર થાય એવી આશા રાખીએ.

પાકિસ્તાનને સંબંધ છે ત્યાં સુધી - ત્યાંની આંતરિક સ્થિતિ અને મુનીર સામે જાગેલા વિરોધને કચડી નાખવા માટે ભારત ઉપર આક્રમણ કરે એવી વકી છે. અલબત્ત, ભારત સાવધાન અને શક્તિમાન છે - પણ આપણા સ્વદેશી - વિપક્ષી નેતાઓને ભારત અને ભારતીય સેનાનું ગૌરવ નથી ! પણ ભારતની આમજનતા જાગૃત છે. વડાપ્રધાન મોદીને પ્રચંડ સમર્થન છે. વર્ષ 2025માં દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વર્ષ 2026 ચૂંટણીનું વર્ષ છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન ચાર રાજ્યો - તામિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભાઓની ચૂંટણી છે. આ ચાર રાજ્યોમાં માત્ર એક - આસામમાં અત્યારે ભાજપનું શાસન છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓ અને મુંબઈ સુધરાઈની ચૂંટણી ઉપર સૌની નજર કેન્દ્રિત થઈ છે. મહારાષ્ટ્રભરમાં ભાજપનો ઝંડો ફરક્યા પછી હવે મુંબઈ ઉપર ઘણો આધાર છે. મહારાષ્ટ્રમાં વિપક્ષી ઇન્ડિ મોરચો વેરવિખેર છે અને રાષ્ટ્રીય કક્ષાએ રાહુલ ગાંધીની નેતાગીરીની નિષ્ફળતાની ચર્ચા છે. સંસદમાં એનડીએ સરકાર સલામત છે. હવે રાજ્યસભામાં 72 બેઠક ખાલી થઈ રહી છે તેની ચૂંટણી થાય, પણ ભાજપની સભ્ય સંખ્યા 103 છે, તેમાં વધારો થશે.

વીતેલાં વર્ષમાં રાહુલ ગાંધીએ `વોટ ચોરી'નો મુદ્દો ઉછાળ્યો. એમને વિદેશી પીઠબળ છે પણ ફાવ્યા નથી. હવે કોંગ્રેસ અને વિપક્ષી સરકારો- કેરળ, બંગાળ અને તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષો સાથે સમજૂતી થાય, તો પણ સત્તાની ભાગીદારી થવા બાબત શંકા છે.

ભારતમાં બાંગલાદેશી ઘૂસણખોરો ચૂંટણીમાં `મતદાતા' પણ બની ગયા છે. હવે એમને વીણીવીણીને પાછા ધકેલવાનું અભિયાન ભાજપ અને કેન્દ્ર સરકારે શરૂ ર્ક્યું છે. બાંગલાદેશમાં હિન્દુઓ ઉપરના અત્યાચારો જોઈને પશ્ચિમ બંગાળ તથા અન્ય રાજ્યોમાં પણ સનાતન ધર્મીઓની જાગૃતિ અને એકતા મજબૂત થઈ રહી છે.

ભારતમાં દાયકાઓથી નક્સલવાદી હિંસાનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે. વિકાસ પણ અવરોધાયો છે, પણ ગૃહપ્રધાન અમિતભાઈ શાહે માર્ચની આખર સુધીમાં નક્સલવાદને આખરી વિદાય આપવાની ઘોષણા કરી છે. વિદેશી અને સ્વદેશી આતંકવાદનો અંત-આખરી અંજામ હવે દૂર નથી.

ઈશુનાં વીતેલાં વર્ષમાં કસોટી અને કટોકટીનો અનુભવ હકીકતમાં સફળ પ્રતિકાર ર્ક્યા પછી શરૂ થયેલાં 2026માં ભારત એક મક્કમ આત્મવિશ્વાસ સાથે પ્રવેશ કરે છે. વીતેલાં વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્યદિને લાલ કિલ્લા ઉપરથી આહ્વાન કર્યું હતું - કલ હમારા હૈ... આજે આપણે કહી શકીએ આજ હમારા હૈ, આનેવાલા કલ ભી હમારા હૈ... 2025માં આપણે ઘણા પડકારો જોયા છે. આતંકવાદ ઉપરાંત આપણા નિકાસ વ્યાપાર સામે પણ `આતંકવાદ'ની શરૂઆત થઈ છે, પણ ભારતે ડિપ્લોમસી - આંતરરાષ્ટ્રીય વિદેશનીતિમાં પણ સફળ સંરક્ષણાત્મક પગલાં ભર્યાં છે. ભારતની આ સફળતાના મૂળમાં નિર્ણય શક્તિમાન નેતૃત્વ છે. વીતેલાં વર્ષે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ આક્રમણનો પ્રતિકાર કરવા માટે આપણે અન્ય દેશો સાથે દ્વિપક્ષી વ્યાપાર કરાર કરીને નિકાસ વ્યાપાર માટે નવાં બજાર નિશ્ચિત કર્યાં છે. હવે અમેરિકી પ્રમુખને પણ ખાતરી થઈ છે કે ભારતનું અર્થતંત્ર મજબૂત છે. આજે જાપાનથી પણ વધુ સમૃદ્ધ અને શક્તિશાળી ભારતનું અર્થતંત્ર છે.

વડાપ્રધાન મોદીએ આર્થિક સુધારાને વધુ ગતિમાન બનાવવાની ઘોષણા કરી છે. મોદી સરકારે નિયંત્રણો દૂર કરીને સહકાર-સહયોગની નીતિનો અમલ કર્યો છે. યુવા ભારત માટે વિકાસના માર્ગ ખોલ્યા છે અને સુધારાની ગાડી - રિફોર્મ એક્સ્પ્રેસ - પૂરપાટ દોડાવવાની ખાતરી આપી છે. નિયંત્રિત અર્થતંત્રના સ્થાને નાગરિકોમાં વિશ્વાસ જાગે અને પ્રેરાય એવાં પગલાં ભર્યાં છે. ધ્યેય એક જ છે : સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ.

Panchang

dd