નવી દિલ્હી, તા. 2 (પીટીઆઇ)
: સરકારે શુક્રવારે એલોન મસ્કની આગેવાની હેઠળનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ'ને કડક નોટિસ જારી કરીને તમામ અશ્લીલ અને ગેરકાયદેસર સામગ્રી, ખાસ કરીને એઆઇ એપ્લિકેશન ગ્રોક દ્વારા નિર્મિત કરાયેલી આ પ્રકારની સામગ્રીને
તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે, નહીં તો કાયદા હેઠળ કાર્યવાહીનો
સામનો કરવો પડશે એમ પણ જણાવ્યું હતું. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે માહિતી ટેક્નોલોજી
અધિનિયમ, 2000 અને આઇટી
નિયમો, 2021 હેઠળની કાયદાકીય
જવાબદારીઓનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ એક્સના ભારતમાં કામગીરી માટેના મુખ્ય અધિકારીને
નોટિસ જારી કરી હતી એક્સને આથી નિર્દેશ આપવામાં આવે છે કે, લાગુ કાયદાઓનું ઉલ્લંઘન કરીને પહેલાંથી જનરેટ
થયેલી અથવા પ્રસારિત થયેલી તમામ સામગ્રીની એક્સેસને વિલંબ કર્યા વિના, આઇટી નિયમો હેઠળ નિર્ધારિત સમયમર્યાદાનું કડક પાલન કરીને, કોઇ પણ રીતે પુરાવાને નુકસાન પહોંચાડયા વિના દૂર કરો, એમ આજે બહાર પડાયેલા આદેશમાં જણાવાયું હતું. મંત્રાલયે એક્સને વાંધાજનક સામગ્રી
ઉપરાંત વાંધાજનક એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. મંત્રાલયે
અમેરિકા સ્થિત સોશિયલ મીડિયા કંપનીને આદેશ જારી થયાના 72 કલાકની અંદર વિગતવાર કાર્યવાહી
અહેવાલ એટીઆર રજૂ કરવા પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય
મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને મહિલાઓના અભદ્ર ફોટા બનાવવા અને તેને સોશિયલ મીડિયા
પર પોસ્ટ કરવા માટે આઇટી એપ ગ્રોકનો દૂરુપયોગ થવાની વધતી જતી ઘટનાઓ પર તાત્કાલિક હસ્તક્ષેપ
કરવાની માંગ કરી હતી. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, એક્સ દ્વારા
વિકસિત ગ્રોક આઇટી સેવાનો ઉપયોગ વપરાશકર્તાઓ દ્વારા નકલી એકાઉન્ટ બનાવવા માટે કરવામાં
આવી રહ્યો છે, જેથી તેઓ મહિલાઓની અશ્લીલ છબીઓ અથવા વીડિયોઝને
અપમાનજનક અથવા અભદ્ર રીતે હોસ્ટ કરી શકા, જનરેટ કરી શકે,
પ્રકાશિત કરી શકે અથવા શેર કરી શકે એમ આદેશમાં જણાવાયું હતું.