• શનિવાર, 03 જાન્યુઆરી, 2026

નવાં વર્ષે સિગારેટ સેવન ગજવાને વધુ હાનિકારક

નવી દિલ્હી, તા. 1 : નવાં વર્ષમાં ધૂમ્રપાન કરવું કે તમાકુ ચાવવું આરોગ્યની સાથોસાથ આર્થિક તબિયત માટે પણ હાનિકારક બનશે. કેન્દ્ર સરકારે સિગારેટ સહિત તમાકુ બનાવટો પર વધારાની એકસાઈઝ ડયૂટી લગાડવાનો ફેંસલો કર્યો છે. નવો નિયમ પહેલી ફેબ્રુઆરી, 2026થી લાગુ થશે, જેનાં પગલે દેશના 25 કરોડથી વધારે ધૂમ્રપાન કરનારા લોકો માટે આ વ્યસનની કુટેવ મોંઘી બનશે. નવા નિયમો હેઠળ સિગારેટની લંબાઈના આધારે પ્રતિ એક હજાર સિગારેટ પર  2050થી માંડીને 8500 રૂપિયા સુધીની એકસાઈઝ ડયૂટી વસૂલાત કરાશે. ભારતમાં પાનમસાલા, સિગારેટ સહિત તમાકુ ઉત્પાદનો પર પહેલાંથી 40 ટકા જીએસટી લાગુ છે. નવી ડયૂટી વધારાની હશે. દેશનાં નાણામંત્રાલયે બુધવારની મોડી રાત્રે નવા નિયમો જાહેર કર્યા હતા. પહેલી ફેબ્રુઆરીથી આ નિયમો અમલી થશે. કેન્દ્ર સરકારે `કોમ્પેન્સેશન સેસ' ખતમ કરી, તેનાં સ્થાને `આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ' તેમજ `વધારાની  એક્સાઈઝ ડયૂટી' લગાવવાની જોગવાઈ કરી છે. નવા નિયમો અનુસાર, સિગારેટ અને પાનમસાલા પર 40 ટકા જીએસટી લાગશે. બીડી પર વેરાનો દર 18 ટકા જ રખાયો છે. કરચોરી રોકી શકાય તે માટે પાનમસાલા ઉત્પાદકો પર મશીનની ક્ષમતાના આધારે આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ તેમજ વધારાની એક્સાઈઝ ડયૂટી લગાવાશે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં સૌથી વધારે તમાકુનું સેવન કરનારા દેશોની યાદીમાં ચીન બાદ ભારત બીજાં સ્થાને છે. 

Panchang

dd