ઢાકા, તા. 1 : બાંગલાદેશમાં હિન્દુઓ સામે
હિંસા થંભવાનું નામ લઈ રહી નથી. જ્યાં એક વખત ફરી નફરતે જીવ લેવાની કોશિશ કરી છે. શરીયતફૂલ
વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના એક હિન્દુ શખ્સને ભીડે ઘેરી લીધી હતી. પહેલા તેને નિર્દયી
રીતે માર મારવામાં આવ્યો હતો અને પછી ચાકુથી હુમલો કરાયો હતો. બાદમાં તેના ઉપર પેટ્રોલ
છાંટીને જીવતો સળગાવવાની કોશિશ કરી હતી. અંતિમ ક્ષણોમાં વ્યાપારી ખોકન ચંદ્રએ નજીકના
તળાવમાં છલાંગ લગાડીને પોતાનો જીવ બચાવ્યો હતો. જો કે આ હુમલો ફરી એક વખત બતાવે છે
કે બાંગલાદેશમાં લઘુમતીઓ ઉપર અત્યાચાર કેટલી હદ સુધી પહોંચી ગયો છે. જાણકારી અનુસાર
આ ક્રૂર હુમલો બુધવારે રાત્રે અંદાજિત 9 વાગ્યા આસપાસ કનેશ્વર યુનિયનના તિલોઈ વિસ્તારમાં થયો હતો. ખોકોન ચંદ્ર દાસ કેઉરભંગા બજારમાં ફાર્મસીના માલિક છે.
જે પોતાની દુકાન બંધ કરીને ઘર તરફ જઈ રહ્યા
હતા અને તિલોઈ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે બદમાશોના એક સમૂહે તેને રોકી લીધા હતા અને
ધારદાર હથિયારોથી હુમલો કરી દીધો હતો. બાદમાં શરીર પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી હતી.
આગની લપેટોથી બચવા માટે ખોકન ચંદ્ર તળાવમાં કૂદી ગયા હતા. બાદમાં સ્થાનિક લોકોએ તેઓને
ગંભીર સ્થિતિમાં બચાવ્યા હતા અને શરિયતપુર સદર હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. આ પહેલા
બાંગલાદેશમાં 18મી ડિસેમ્બરે દીપુ ચંદ્રદાસને ભીડે મારી
નાખ્યો હતો. 25 ડિસેમ્બરે અમૃત મંડલની હત્યા
થઈ હતી અને 29મીએ સુરક્ષા ગાર્ડ બજેન્દ્ર બિશ્વાસની ગાળી
મારીને હત્યા કરવામાં આવી હતી. આમ છેલ્લા બે અઠવાડિયામાં હિન્દુઓ ઉપરના હુમલાની આ ચોથી
ઘટના છે. બાંગલાદેશમાં હિન્દુ ઉત્પીડનના બનાવો યૂનુસ સરકારના સત્તામાં આવ્યા બાદ વધી
છે. જેના ઉપર દુનિયાભરમાંથી ટીકા પણ થઈ ચૂકી છે.