તેહરાન, તા.1 : ઈરાનમાં બેકાબૂ મોંઘવારી વચ્ચે
સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો વકર્યા છે. સરકારી ઈમારતોમાં તોડફોડનો પ્રયાસ કરાયો છે.
અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયાના અહેવાલ છે. પશ્ચિમી રાજકારણીઓ પ્રદર્શનકારીઓના
સમર્થનમાં આગળ આવ્યા છે. અમેરિકી સેનેટર રિક સ્કોટે કહ્યું કે તેઓ ઈરાની લોકોની ઈરાનની
અત્યાચારી સરમુખત્યારશાહીનો અંત લાવવાની માગથી પ્રોત્સાહિત થયા છે અને તેમને દુષ્ટ
સરકાર સામે સંઘર્ષ ચાલુ રાખવા વિનંતી કરી છે. દરમ્યાન અથડામણમાં ત્રણ જણ માર્યા ગયાના
અહેવાલ છે. ઈરાનના સરમુખત્યારશાહી શાસન સામેનો નાગરિક બળવો 2025 થી 2026માં પ્રવેશી ગયો છે. વિરોધીઓ
ઈરાનમાં સરકાર બદલવાની માગ કરી રહ્યા છે. ઈસ્ફહાનમાં ડરશો નહીં, આપણે બધા સાથે છીએ...સરમુખત્યારને મુત્યુ...ના
નારા લગાવ્યા હતા. દેહલોરાન અને બાઘમાલેકમાં વિરોધીઓએ રાજાશાહીના સમર્થનમાં,
જેમાં ઘણાએ ઈરાનના પૂર્વ શાસક રેઝા શાહ પહલવીના સમર્થનમાં સૂત્રોચ્ચાર
કર્યા હતા. ઈરાનમાં ફુગાવાનો દર 42 ટકા સુધી પહોંચી ગયો છે. સુરક્ષા દળોએ વિરોધીઓને વિખેરવા માટે
ઘણી જગ્યાએ બળનો ઉપયોગ કર્યો હતો. ગોળીબાર અને ટીયર ગેસના ઉપયોગના અહેવાલો છે છતાં
પ્રદર્શનકારીઓ ડર્યા ન હતા. બુધવારે ઈરાનમાં સતત ચોથા દિવસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો
થયા હતા. વિરોધીઓએ અનેક શહેરોમાં રેલીઓ યોજી હતી. ઈસ્ફહાન, હમાદાન, બાબોલ,
દેહલોરાન, બાઘમાલેક અને પયાન જેવા શહેરોમાં વિરોધીઓ
રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સર્વોચ્ચ નેતા અલી ખામેની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
હતા. વિરોધ પ્રદર્શનો ઈરાનના 21 પ્રાંતોમાં ફેલાઈ ગયા છે.