• રવિવાર, 16 જૂન, 2024

કેજરીવાલને જામીન : ભાજપને ફાયદો, કોંગ્રેસ ટેન્શનમાં

લોકસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન યોજાય તે પહેલાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા. શરતોને આધીન જામીન તા. બીજી જૂનના પૂરા થશે એટલે આપ સુપ્રીમોએ ચૂંટણી પૂરી થયા પછી અને મતગણતરી પહેલાં પરત જેલમાં જવું પડશે. સામાન્ય રીતે રીતના જામીન મેળવવા મુશ્કેલ છે, પણ જે રીતે ઇડીની દલીલોને અવગણી કેજરીવાલને ખાસ ચૂંટણીના બાકીના ચાર તબક્કામાં જામીન અપાયા ઘણા રાજકારણીઓ માટે આશ્ચર્યજનક ઘટના બની રહી. ભલે અહીં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટિપ્પણી નથી કરવી. કેમ કે, સુપ્રીમ ચુકાદો છે. તેને સ્વીકારવાનો હોય, પણ તેના રાજકીય લાભ-નુકસાનની ચર્ચા ચોક્કસ કરી શકાય. ખાસ તો કેજરીવાલને જામીન મળ્યા તે અંગે કોઇ રાજકીય નેતાની બાઇટ્સ મીડિયામાં નથી આવી. આમ આદમી પક્ષે પણ સ્વાભાવિક પણે રાજીપો દેખાડયો. ખુદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો. પણ રાજકીય પંડિતો જામીનનું પોતપોતાની રીતે રાજકીય વિશ્લેષણ કરે છે. એક રીતે જોઇએ તો જામીન ભાજપને ફાયદાકારક નીવડશે એવું લાગે છે, તો બીજીતરફ કોંગ્રેસને રાજકીય નુકસાન થશે એવું વર્તમાન સિનારિયા પરથી લાગે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિ ગઠબંધનના સાથીદાર પક્ષો છે. ખાસ તો દિલ્હીની સાત લોકસભા બેઠકો પર જે જરદસ્ત ચૂંટણી જંગ જામ્યો છે તેના સંદર્ભમાં વાત કરીએ. સાતે લોકસભા બેઠક પર 2014 અને 2019માં ભાજપનો દબદબો રહ્યો છે. 2024માં આમ આદમી પક્ષ ચાર બેઠકો પર અને કોંગ્રેસ ત્રણ બેઠકો પર લડી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસની હાલત બહુ સારી કહેવાય તેવી નથી. ત્રણ બેઠકો પૈકી બે બેઠક ઉપર ઉમેદવાર સામે નારાજગી ઉપરાંત અરવિંદસિંહ લવલી અને અન્ય નેતાઓનું પક્ષમાંથી રાજીનામું કોંગ્રેસને ત્રણ બેઠકો પર ભારે પડવાનું છે. દિલ્હીમાં જો આમ આદમી પક્ષ ચારમાંથી બે બેઠકો પર પણ જીતે તો કોંગ્રેસ સામે તેની મનોવૈજ્ઞાનિક જીત થશે અને દિલ્હીમાં પક્ષની હાલત છે એથી પણ વધારે કફોડી થઇ શકશે. આમ તો દિલ્હીની સાતે બેઠકો વખતે પણ ભાજપ માટે જીતની ગેરંટી હતી, પણ કેજરીવાલના જામીન મળ્યા પછી સ્થિતિ બદલી છે. વળી અત્યારે ભાજપ સામે ભારે આક્રમક રહીને મીડિયા કવરેજ મેળવનારા રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલનાં મેદાનમાં આવ્યા પછી ઓછું કવરેજ મેળવતા થયા છે. ખાસ કરીને કેજરીવાલનો રોડ-શો, તેમની પ્રેમ કોન્ફરન્સને રાહુલ કરતાં વધુ કવરેજ મળવા લાગ્યું છે, તો કેજરીવાલને મીડિયા મેનેજમેન્ટમાં મહારત હાંસલ છે અને તા. 1લી જૂનના અંતિમ મતદાન સુધી રાહુલ કરતાં વધુ કવરેજ મેળવતા રહેશે. પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પક્ષ વચ્ચે ગઠબંધન નથી થયું, ત્યાં પણ કોંગ્રેસની હાલત ખસ્તા છે. વળી ભાજપ પણ ત્યાં એટલો અસરકારક નથી. તેના મૂળિયાં હજી ઊંડે સુધી ગયા નથી અને આમ આદમી પક્ષનો ત્યાં દબદબો છે એટલે પંજાબમાં 13 બેઠકોની ચૂંટણીમાં પણ કેજરીવાલના જામીન કોંગ્રેસનો સફાયો કરી શકશે. એટલે કોંગ્રેસને નુકસાની થવાનો અંદેશો છે. તો ભાજપ માટે કેજરીવાલના જામીન આવકારદાયી બની રહ્યા છે. દિલ્હીની બે બેઠકો ગુમાવવાથી પક્ષને વધારે ફરક પડવાનો નથી અને રાજનીતિનું પ્રખ્યાત સૂત્ર છે કે, આવતીકાલની સફળતાનું આયોજન આજે થવું જોઇએ. રાજનીતિમાં આવતીકાલનું મહત્ત્વ હોય છે. ભાજપ આજને નહીં પણ આવતીકાલને જોનારો પક્ષ છે. એટલે કોંગ્રેસ પર આમ આદમી પક્ષની મનોવૈજ્ઞાનિક જીત તેના માટે મોટો ફાયદો લઇ આવશે અને ચૂંટણીમાં આમ આદમી પક્ષની સફળતાનો તમામ યશ કેજરીવાલને મળવાનો છે એટલે ઇન્ડિ ગઠબંધનમાં પણ તેમનું સ્થાન મહત્ત્વનું બની જશે. સરવાળે કેજરીવાલ બે રાજ્યોમાં ભાજપને હંફાવી રાહુલ માટે ગઠબંધનમાં મોટો પડકાર બની ઊભરે એવી વકી પણ છે. કેજરીવાલના જામીનથી ભાજપે કાંઇ ખોવાનું નથી અને ગુમાવવાનું જે હશે તે કોંગ્રેસને રહેશે. આમ તો કેજરીવાલના જામીન વિશે ચર્ચા થતી હતી, ત્યાં સ્વાતિ માલિવાલના આત્મગૌરવ પર હુમલો થયો. ઘટના મુખ્યમંત્રીના ઘરમાં બનતાં ભાજપને આક્રમક બનવાની તક મળી ગઈ, તો કેજરીવાલના જામીનથી નુકસાનનું આકલન કરતી કોંગેસ પણ કફોડી હાલતમાં મુકાઈ ગઈ છે. રાહુલ ગાંધીની દિલ્હી જાહેરસભામાં કેજરીવાલને દૂર રાખ્યા તો લખનઉ અને મુંબઈની પ્રેસમીટમાં પણ કેજરીવાલ સાથે મંચ ટાળ્યો બતાવે છે કે, આમ આદમી સુપ્રીમો સાથે રહેવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થઇ રહ્યું છે. હજુ પંજાબનું મતદાન બાકી છે, એટલે ઈન્ડિ ગઠબંધનના બન્ને પક્ષને કેટલું નુકસાન થશે, અંદાજનો વિષય છે. આમ કેજરીવાલના જામીન પછીના સિનારિયોમાં ભાજપ ફાયદામાં છે, તો કોંગ્રેસ માટે નુકસાન દેખાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang