• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ઝારખંડમાં 16 નકસલી ઠાર

રાંચી, તા. 22 : ઝારખંડના પશ્ચિમી સિંહભૂમ જિલ્લામાં સારંડા જંગલમાં ગુરુવારની સવારે ભીષણ ઘર્ષણમાં સુરક્ષા દળોએ એક કરોડના ઇનામી સહિત 16 નકસલવાદીને ઠાર માર્યા હતા. આજે સવારે જંગલની આસપાસના ભાગોમાં ગોળીબારના અવાજોથી ભારે ભય ફેલાયો હતો. એક કરોડના ઇનામી અનલ દાની ટોળકી સાથે સુરક્ષા દળોનું ઘર્ષણ થયું હતું. અનલની ટોળકીમાં જે નકસલી હતા, તેમાંથી 16 માઓવાદી માર્યા ગયા હતા. રાજ્ય પોલીસ, કોબરા અને સેન્ટ્રલ પોલીસની ટીમોના જવાનોએ સહિયારું અભિયાન છેડયું હતું. સુરક્ષા દળો નકસલવાદ વિરોધી અભિયાન હેઠળ સારંડાનાં ગાઢ જંગલોમાં તલાશી અભિયાન ચલાવી રહ્યા હતા. દરમ્યાન છુપાઇ બેઠેલા નકસલીઓએ પ્રપંચપૂર્વક ગોળીબાર શરૂ કરતાં જવાનોએ  જડબાંતોડ જવાબ આપ્યો હતો. સારંડા વિસ્તાર દુર્લભ પહાડો અને ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. અહીં લાંબા સમયથી નકસલવાદી ગતિવિધિ ચાલી રહી છે. સુરક્ષા દળોએ સમગ્ર જંગલ ક્ષેત્રને ચોમેરથી ઘેરી લઇ છુપાઇ બેઠેલા માઓવાદીઓને પકડવા અભિયાન છેડયું હતું. અનલનાં અન્ય ઘણાં નામ હતાં, જેમાં તુફાન, પતિરામ માંઝી, મતિરામ મરાન્ડી, રમેશ વગેરે સામેલ છે. તે લાંબા સમયથી  સારંડા અને ગિરિડીહનાં જંગલમાં સક્રિય હતા. તેના ઉપર હત્યા, બ્લાસ્ટ, લૂંટ સહિતના ગંભીર આરોપ હતા. આ એન્કાઉન્ટરને સુરક્ષા દળોની મોટી સફળતા માનવામાં આવી રહ્યું છે, કારણ કે, અનલ લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડ હતો અને તેનાં નેટવર્કના અન્ય ઘણા નક્સલી ખૂબ સક્રિય ગણવામાં આવે છે.  

Panchang

dd