• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ત્રિવેણીસંગમથી ગાંધીધામ સંકુલનો વિકાસ વેગવંતો થયો

ગાંધીધામ, તા. 22 : મહાનગરપાલિકા, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, જનપ્રતિનિધિઓ તેમજ લોકોના સાથ - સહકારના ત્રિવેણીસંગમથી ગાંધીધામ સંકુલનો વિકાસ વેગવંતો બન્યો છે, તેવો ભાવ 12 કરોડના ખર્ચે વિવિધ વિકાસનાં કામોનાં ખાતમુહૂર્ત વેળાએ વ્યક્ત કરવામાં આવ્યો હતો. - ગાંધીધામ ગુજરાતનું શ્રેષ્ઠ નગર બનશે : દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ફાળવાયેલા 12 કરોડના ખર્ચે ગાંધીધામ તેમજ આદિપુર ઝંડાચોકનું નવીનીકરણ ઉપરાંત લીલાશાહ સર્કલ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી મહાત્મા ગાંધીની પ્રતિમા સુધીના મુખ્ય રોડને આરસીસી બનાવવાનાં કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ  કહ્યું હતું કે, ભારત સરકાર, ગુજરાત સરકાર તેમજ મહાનગરપાલિકા અને જનપ્રતિનિધિઓ તેમજ લોકોના સાથ-સહકારના સંગમથી ગાંધીધામ સંકુલનો વિકાસ વેગવંતો બન્યો છે. આગામી સમયમાં ગુજરાતનું શ્રેષ્ઠ નગર બનાવવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. - બે મહિનામાં એક હજાર કરોડનાં કામો કરાયાં : ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસનાં કામો થઈ રહ્યાં હોવાનું કહી હાલના સમયે લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ આવનારા સમયમાં એક આધુનિક નગર મળશે અને લોકોની જે સમસ્યાઓ છે તે દૂર થશે, તેવું  કહ્યું હતું. તેમણે ખૂટતી કડીઓનું સૂચન કરવા માટે શહેરીજનોને અનુરોધ કર્યો હતો. રાજવી ઓવરબ્રિજ માટે એનઓસી મળી  હોવાનું કહી થોડાક સમયમાં તે કામ પણ શરૂ થઈ જશે તેમ કહ્યું હતું. સરકાર દ્વારા વિકાસનાં કામો માટે રૂપિયા અપાય છે અને બે મહિનાની અંદર એક હજાર કરોડના વિકાસનાં કામો શરૂ કરાયાં હોવાનું કહ્યું હતું. - ગાંધીધામને મોડેલ શહેર બનાવવાનું છે  : દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલકુમાર સિંઘે મ્યુનિસિપલ કમિશનરની કામગીરીની સરાહના કરીને ગાંધીધામ સંકુલના વિકાસ માટે ડીપીએ હંમેશાં તત્પર  રહેશે અને જે પણ સાથ-સહકાર જોતો હશે તે આપવા તૈયાર છે, તેવું કહ્યું હતું. ગાંધીધામને મોડેલ સિટી બનાવવાનું છે. ગ્રીન હાઈડ્રોજન હબ માટે પોર્ટે કમર કસી છે તે  પ્રકલ્પ અંતર્ગત  આગામી સમયમાં અહીં મોટી-મોટી કંપનીઓ આવવાની છે અને તે માટે આ શહેરને આધુનિક વાઘા પહેરાવવા પડશે, તેવું જણાવી  દીનદયાલ પોર્ટ ઓથોરિટી પૂરતો સાથ-સહકાર અપાશે તેવી ખાતરી આપી હતી. કમિશનર એક્શનમાં છે અને આગામી સમયમાં તેનું પરિણામ પણ જોવા મળશે તેમ જણાવ્યું હતું.  - શહેરના વિકાસ માટે કચાશ નહીં રખાય : મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી એ દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા બહુ જ ઓછા સમયમાં મહાનગરપાલિકાની કચેરીઓ તેમજ બસ ટર્મિનલ બનાવવા માટે જમીન આપી છે તે માટે ડીપીએનો આભાર વ્યક્ત કર્યો હતો અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા મહાનગરપાલિકાને પૂરતો સાથ- સહકાર આપવામાં આવી રહ્યો છે, તેમ કહીને શહેરના વિકાસ માટે મહેનતમાં ક્યારેય કચાશ નહીં છોડાય તેમ જણાવ્યું હતું.  આ કાર્યક્રમમાં એસઆરસીના ચેરમેન સેવકભાઈ લખવાણી, મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઇ આચાર્ય, ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ તેમજ જીડીએના પૂર્વ ચેરમેન મધુકાંતભાઈ શાહ સહિતના અગ્રણીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd