નવી દિલ્હી, તા.21 : કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટોલ અંગેના નિયમ
વધુ કડક બનાવ્યા છે. હવે ટોલ ન ચૂકવનારા વાહનને એનઓસી, ફિટનેસ સર્ટિફિકેટ અને નેશનલ પરમિટ જેવી સેવાઓ
મળશે નહીં. આ ફેરફાર કેન્દ્રીય મોટર વ્હીકલ રૂલ્સ-2026 હેઠળ કરવામાં આવ્યા છે. આ નિર્ણયનો
હેતુ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનને વધુ મજબૂત કરવા અને ટોલચોરી રોકવાનો છે. ઘણી વખત નેશનલ
હાઈવેના ટોલ પ્લાઝા પર ગાડીનું ફાસ્ટેગ સ્કેન થયા બાદ યાંત્રિક ક્ષતિને કારણે ટોલ કપાતો
હોતો નથી એ જ રીતે ફાસ્ટેગમાં બેલેન્સ ઓછું હોય તો પણ ગાડીઓ ટોલ પસાર કરી જતી હોય છે.
હવે આવાં વાહનોની બાકી રહેતી રકમ ગાડીના રેકોર્ડ સાથે જોડાઈ જશે. નવા નિયમના અમલ પછી
જો કોઈ ગાડી પર ટોલની બાકી રકમ બોલતી હશે તો તેમની મહત્ત્વની સેવાઓ રોકવામાં આવશે જેમાં
ના-વાંધા પ્રમાણપત્ર (એનઓસી)નો સમાવેશ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ગાડી અન્યને
વેચે કે અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવાની હોય ત્યારે એનઓસી જરૂરી બની જાય છે. ફિટનેસ
પ્રમાણપત્ર પણ આવી ગાડીઓને આપવામાં આવશે નહીં. કોમર્શિયલ અને અન્ય વાહનો માટે જ્યાં
સુધી જૂનો ટોલ ભરવામાં ન આવે ત્યાં સુધી ફિટનેસ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં. નેશનલ
પરમિટ પણ મળશે નહીં. ટ્રક અને બસ જેવાં કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ આવશ્યક હોય
છે પરંતુ જો ટોલ બાકી હશે તો તેમને આ પરમિટ આપવામાં આવશે નહીં.