નવી દિલ્હી તા.21 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ બાંગલાદેશની ભારત બહાર
ટી-20 વિશ્વ કપના મેચો ભારત બહાર
રમાડવાની માંગણી નકારી દીધી છે. આઇસીસીની આજે સાંજે યોજાયેલી બેઠકમાં બાંગલાદેશ ક્રિકેટ
બોર્ડ (બીસીબી)ની કારમી હાર થઇ હતી. આ પ્રસ્તાવ મતદાનમાં કુલ 16 આઇસીસી સભ્ય દેશોએ મતદાન કર્યું
હતું. જેમાંથી 14 દેશોએ બાંગલાદેશ ક્રિકેટ બોર્ડની
વિરૂધ્ધમાં મતદાન કર્યું હતું. ફકત પાકિસ્તાન અને ખુદ બાંગલાદેશના મત તરફેણમાં રહ્યા
હતા. આઇસીસીએ હવે બાંગલાદેશને 24 કલાકનું આખરીનામું
આપ્યું છે અને જણાવી દીધું છે કે જો તેની ટીમ ભારત રમવા આવવા માંગતી ન હોય તો ટી-20 વિશ્વ કપ ટૂર્નામેન્ટમાં તેના
સ્થાને અન્ય ટીમને સામેલ કરવામાં આવશે. આથી બીસીબી પાસે હવે ફકત 24 કલાકનો સમય છે. આ દરમિયાન તેમણે
આખરી નિર્ણય જાહેર કરવો પડશે. અન્યથા ટી-20 વર્લ્ડ કપમાંથી તેની ટીમ બહાર થઇ જશે. રિપોર્ટ અનુસાર બાંગલાદેશ
જો તેના તેના વલણ પર અડગ રહેશે તો તેના સ્થાને સ્કોટલેન્ડની ટીમ વર્લ્ડ કપમાં સામેલ
થશે. આજની બેઠકમાં આઇસીસી ચેરમેન જય શાહ ઉપરાંત ફૂલ મેમ્બર દેશોના તમામ અધિકારીઓએ ભાગ
લીધો હતો અને મતદાન પ્રક્રિયાથી બાંગલાદેશની તમામ માંગ નકારી દીધી હતી. બીસીસીઆઇ તરફથી
સેક્રેટરી દેવજીત સૈકિયા અને બીસીબી તરફથી અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ બેઠકના હિસ્સા બન્યા
હતા. પીસીબીના મોહસિન નકવીએ પણ હાજરી આપી હતી.
બાંગલાદેશ ટીમે ટી-20 વર્લ્ડ કપના
તેના 3 મેચ કોલકતા ખાતે તા. 7, 9 અને 14 ફેબ્રુઆરીએ રમવાના છે. જયારે
17 ફેબ્રુઆરીએ મુંબઇ ખાતે એક લીગ
રમશે.