• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

નરા-દયાપર રોડ માંડ 10 વર્ષે મરંમત થયો ને ઓવરલોડ ચાલુ

દયાપર (તા. લખપત), તા. 22 : લખપત તાલુકાનાં વીસ જેટલાં ગામડાં માટે મહત્ત્વનો માર્ગ નરા-દયાપર જિ.પં. હસ્તકનો 10 ટન ક્ષમતાવાળો રોડ છે, જેના પર પચાસ ટન નમક ભરીને વાહનો પસાર થતાં ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરી પર ધસી ગયા હતા અને ત્વરિત વાહનવ્યવહાર અન્યત્ર વાળવા માંગ કરી હતી. તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને નરા અગ્રણી જુગરાજસિંઘ સરદારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતાં કહ્યું હતું કે, 10 વર્ષ સુધી આ રસ્તાની મરંમત માટે માગણી કરતા રહ્યા, છેક ગાંધીનગર રજૂઆત કર્યા પછી માંડ ડામર રસ્તો થયો. હજુ છ મહિના થયા છે અને દેશલપર (ગું.) રસ્તા પર મરંમત થતાં આ રસ્તા પર વાહનોને ડાયવર્ટ કરાયાં છે. આ રસ્તો ઓવરલોડ ક્ષમતા સહન કરી શકે તેમ નથી. તેની ડિઝાઇન ગ્રામીણ માર્ગ પ્રમાણે છે. માર્ગ મકાન પેટા વિભાગ હેઠળ આવતા આ રસ્તાની ક્ષમતા જોયા વગર વાહનોને પસાર કરવા દુ:ખ છે. વળી જિ.પં. માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પણ આ બાબતે લેખિત રજૂઆતમાં ભારે વાહનો ચાલશે તો રસ્તાને નુકસાન થશે તેવી દહેશત વ્યક્ત કરી છે. 25 કિ.મી.ના માર્ગના બદલે અન્યત્ર વાહનવ્યવહાર ડાયવર્ટ કરાય તેવી પત્રમાં માંગ કરાઇ છે. આ બાબતે જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસવડાને પણ રૂબરૂ રજૂઆત કરાઇ હતી. ગામની વચ્ચો વચ્ચ શાળા, આંગણવાડી હોતાં બાળકોને બાળકોનો પણ માર્ગ છે, ત્યારે ભારે વાહનો બંધ કરવા રજૂઆત કરાઇ છે. પ્રશાસન દ્વારા હકારાત્મક વલણ જોવા મળ્યું હોવાનો દાવો કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નરા-દયાપર તેમજ હાજીપીર-ઘડુલી- નખત્રાણા હાલમાં જ નવા રસ્તા બન્યા છે. ઓવરલોડનું દૂષણ તો દૂર થતું નથી, ત્યારે નમક કંપનીઓ પાસે રસ્તાની રકમ વસૂલી ખાવડા માર્ગ પર જ પરિવહન ચાલુ કરાય તેવી લોકમાંગ છે. જિલ્લા પ્રશાસનને રજૂઆત અર્થે શાસક પક્ષના નેતા હાસમ મંધરા, મેઘપર સરપંચ રાયબ જત, મજીદ મિસરી (ઝુમારા), જુસબ છાંગા, વિશ્રામભાઇ ખોખર, અયુબ જત, નરેન્દ્રસિંહ, જેમલસિંહ જાડેજા, મામદ અભન સોતા, ઓસમાણ થૈમ, જેઠાભાઇ મહેશ્વરી, સિકંદર સમેજા, રજાક નોતિયાર સહિત અગ્રણીઓ જોડાયા હતા. 

Panchang

dd