નવી દિલ્હી, તા. 21 : ગૃહ મંત્રાલયે
સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને રાજ્ય પોલીસના અધિકારીઓને વર્ષમાં ઓછામાં ઓછા 50 રાત સરહદી ગામોમાં વિતાવવાનો
નિર્દેશ આપ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરહદે રહેતા લોકો સાથે તાલમેલ
વધારવા અજે જમીની સ્તરે ગુપ્તચર જાણકારી જમા કરવાની પ્રક્રિયાને વધારે અસરકારક બનાવવા
માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટમાં નિર્દેશથી અવગત અધિકારીના હવાલાથી કહેવામાં
આવ્યું હતું કે, આ નિર્દેશ બીએસએફ,
આઈટીબીપી, એસએસબી, આસામ રાઈફલ્સના
ડાયરેક્ટર જનરલ અને સીમાવર્તી રાજ્યોના પોલીસ પ્રમુખને જારી કરવામાં આવ્યો છે. આ નિર્દેશ
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રાયપુરમાં થયેલી ડીજી-આઈજી કોન્ફ્રેન્સમાં થયેલી ચર્ચા
બાદ અપાયો છે. ગૃહ મંત્રાલય અનુસાર પોલીસે
વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સરહદી ગામમાં પોતાની ગતિવિધિ વધારવી જોઈએ. સીધા
ઉપાય હેઠળ પોલીસ અધિકારી, ટીમોએ દર વર્ષે ઓછામાં ઓછા 50 રાત સરહદી ગામોમાં રોકાવું
જોઈએ.