• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

સાધારાની સીમમાં ચાલતાં કતલખાનાં પર પોલીસ ત્રાટકી

ભુજ, તા. 22 : સરહદી ખાવડા વિસ્તારના સાધારાની સીમમાં ચાલતું કતલખાનું એસઓજી અને ખાવડા પોલીસે ઝડપી પાડયું છે. દરોડામાં એક ઈસમ ઝડપાયો હતો, જ્યારે અન્ય બે નામજોગ તથા ત્રણ અજાણ્યા નાસી છૂટયા હતા. 120 કિલો ગૌમાંસ અને છરા, કુહાડી સહિતના હથિયારો કબજે કરાયા છે. ગઈકાલે એસઓજીની ટીમ ખાવડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, સાધારાની પશ્ચિમ સીમમાં ગામના મલુક મામદ જુણેજા, મલુક જાકબ વાંઢા, કારા જાકબ વાંઢા તથા તેમના સાગરિતો ભેગા મળીને ગાય (ગૌવંશ)ની કતલ કરી રહ્યા છે. આ બાતમીનાં પગલે એસઓજીએ પંચોને સાથે રાખી દરોડો પાડતાં પોલીસને જોઈ અમુક ઈસમો નાસવા લાગ્યા હતા. પોલીસે પીછો કરી મલુક મામદ જુણેજા (ઉ.વ. 63, રહે. સાધારા)ને ઝડપી લીધો હતો અને નાસેલા અંગે પૂછતાં મલુક અને કારા તથા અન્ય ત્રણને તે ન ઓળખતા હોવાનું જણાવ્યું હતું. આ દરોડામાં ઘટના સ્થળેથી 120 કિલો ગૌમાંસ, કિં. રૂા. 12,000, ત્રણ છરા, એક કુહાડી તેમજ એક બાઈક કિં. રૂા. 30,000 અને એક મોબાઈલ ફોન કબજે લઈ ત્રણ સામે નામજોગ તથા તપાસમાં જે નીકળે તેની સામે ખાવડા પોલીસ મથકે વિવિધ કલમો તળે ગુના દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીમાં એસઓજીના પીઆઈ એ. ડી. પરમાર, પી. સી. શીંગરખિયા, એ.એસ.આઈ. દશરથભાઈ ચાવડા, હે.કો. પ્રકાશભાઈ ચૌધરી તથા ખાવડા પોલીસના એ.એસ.આઈ. રવિભાઈ ભરવાડ, હે.કો. ભરતભાઈ ચૌધરી, રમેશભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પરમાર, કોન્સ. ભરતભાઈ આલ, ભીખુભાઈ નંદાણિયા, વિરમભાઈ ચૌધરી જોડાયા હતા. 

Panchang

dd