નવી દિલ્હી, તા. 21 : ભારત અને
યુરોપિયન યુનિયન વચ્ચે આર્થિક અને રણનીતિક સંબંધોમાં એક મોટો બદલાવ આવવાનો છે. દાવોસમાં
વિશ્વ આર્થિક મંચને સંબોધિત કરતાં યુરોપિયન યુનિયનનાં અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયેને
ભારત સાથે થનારી મુક્ત વ્યાપાર સમજૂતીને `તમામ સમજૂતીની જનની' ગણાવી હતી. દાવોસમાં પોતાના સંબોધમાં વાન ડેરે કહ્યું હતું કે, ભારત અને યુરોપ એક ઐતિહાસિક વ્યાપાર સમજૂતીની કગારે છે, જેનાથી બે અબજ લોકોનું એક વિશાળ બજાર બનશે અને આ બજાર વૈશ્વિક જીડીપીના લગભગ
25 ટકા હિસ્સો ધરાવતું હશે. ઉર્સુલા
વાન ડેરે કહ્યું હતું કે, તેઓ આગામી
અઠવાડિયે ભારતની યાત્રા કરવાના છે. હજી ઘણું કામ કરવાનું છે, પણ ભારત અને યુરોપ ઐતિહાસિક વ્યાપાર સમજૂતીની નજીક છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષે
સંબોધનમાં કહ્યું હતું કે, લેટિન અમેરિકાથી લઈને હિંદ પ્રશાંત
ક્ષેત્ર અને તેનાથી આગળ સુધી, યુરોપ હંમેશાં દુનિયાને જ પસંદ
કરશે અને દુનિયા યુરોપને પસંદ કરવા માટે તૈયાર છે. યુરોપ વર્તમાન વિકાસનાં કેન્દ્ર
અને સદીની આર્થિક મહાશક્તિઓ સાથે વ્યાપાર કરવા ઈચ્છે છે. યુરોપિયન યુનિયનના એન્ટોનિયો
કોસ્ટા અને ઉર્સુલા વાન ડેર ભારતના ગણતંત્ર દિવસના મુખ્યઅતિથિનાં રૂપમાં 25થી 27 જાન્યુઆરીના ભારતમાં રહેવાના છે અને પીએમ મોદી સાથે શિખર મંત્રણા
થવાની છે. બન્ને પક્ષ 27મીએ ભારત-ઇયુ
શિખર સંમેલનમાં મુક્ત વ્યાપાર સમજૂતી ઉપર વાતચીતના સમાપનની ઘોષણા કરી શકે છે. યુરોપીય
સંઘ પહેલાંથી જ ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર છે. નાણાકીય વર્ષ 2023-24માં વસ્તુઓનો દ્વિપક્ષીય વેપાર
135 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો.
એફટીએથી આ સંબંધોમાં મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ થવાની આશા છે. યુરોપ અને ભારતે મુક્ત વ્યાપાર
સમજૂતી માટે પહેલી વખત 2007માં વાતચીત
શરૂ કરી હતી. જો કે, મહત્ત્વાકાંક્ષાઓના
અંતરનાં કારણે 2013માં વાતચીત
સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં જૂન 2022માં વાતચીત ફરીથી શરૂ થઈ હતી. આ મહત્ત્વપૂર્ણ બદલાવ એવા સમયે
આવી રહ્યો છે જ્યારે ટ્રમ્પ તંત્રની નીતિઓનાં કારણે ચિંતા સતત વધી રહી છે, જેની અસર ભારત અને 27 દેશના યુરોપિયન યુનિયન ઉપર
પડી છે.