નવી દિલ્હી, તા. 21 : રશિયા પાસેથી
તેલ ખરીદી સામે નારાજગી રૂપે ભારત પર વધારાનો
ટેરિફ ઝીંકનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક મહત્ત્વપૂર્ણ
લેખી શકાય તેવું એલાન કરતાં કહ્યું હતું કે, ભારત સાથે જલ્દી સારી વેપાર સમજૂતી થશે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને ભાષણ
કરનાર ટ્રમ્પે ભારતીય મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મારાં મનમાં ઘણું સન્માન છે. મોદી શ્રેષ્ઠ વ્યક્તિ
છે અને મારા મિત્ર છે, અમે ભારત સાથે શ્રેષ્ઠ વેપાર કરાર કરવા જઇ રહ્યા છીએ તેવું અમેરિકી રાષ્ટ્રપતિએ
કહ્યું હતું. એરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધેલો છે તેવા સમયે ટ્રમ્પે મુક્ત વેપાર કરાર
થશે તેવો ભરોસો બતાવ્યો છે. દરમ્યાન, અમેરિકી રાષ્ટ્રપતિએ દાવોસના મંચ પરથી પણ વધુ એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે
યુદ્ધ રોકાવ્યું હોવાનો દાવો કર્યો હતો. ખાસ ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિનામાં જ અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે દાવો કર્યો હતો કે,
વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને સામેથી ફોન નહીં કરતાં વેપાર સંધિ અટકી ગઇ
છે. બીજી તરફ, ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે પદભાર સંભાળતાં
કહ્યું હતું કે, બન્ને દેશ મુક્ત વેપાર કરાર કરવા માટે મક્કમપણે
પ્ર્રતિબદ્ધ છે.