મહેન્દ્રગઢ, તા. 11 : હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 8 બાળકોનાં મોત થયાં છે, જ્યારે 22 બાળકો ઘાયલ થયા છે. જેમાંથી 2ની હાલત નાજુક છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોહિયાળ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, મારી સંવેદના બાળકો ખોનાર પરિવારોની સાથે છે. મહેન્દ્રગઢના કનિના શહેરમાં આવેલી જીએલ પબ્લિક સ્કૂલ ઈદની રજા બાદ પણ ખુલ્લી હતી. ગુરુવારે સવારે બસ 35 જેટલા બાળકો સાથે શાળાએ જઈ રહી હતી. દરમિયાન ઉનાણી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. પાંચ બાળકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બાકીના એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાળકોની ઓળખ સત્યમ (16), યુવરાજ (14), બે ભાઈઓ યશુ અને અંશુ, વંશ (14) અને રિકી (15) તરીકે થઈ છે. જેમાંથી 4 એક જ ગામ ઝાડલીના છે. મહેન્દ્રગઢના એસપી અર્શ વર્માએ જણાવ્યું કે, આ ઘટના સવારે લગભગ 8.30 વાગ્યે બની હતી. ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું જાણવા મળે છે. અમે તેનું મેડિકલ કરાવી રહ્યા છીએ. તે ખૂબ જ સ્પીડમાં સ્કૂલ બસ ચલાવી રહ્યો હતો. જેના કારણે બસ પલટીને ઝાડ સાથે અથડાઈ હતી.