ગાંધીધામ, તા.
20 : રાજ્યમાંથી નશાના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ
અંતર્ગત એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સામખિયાળી-રાધનપુર ધોરીમાર્ગ પર લાકડિયા
નજીક આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રા. લિમિટેડ નામની કંપની ખાતે રાજ્યના અલગ-અલગ 16
પોલીસ જિલ્લામાંથી જપ્ત કરાયેલ રૂા. 103 કરોડ 65 લાખના ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થાનો
ભઠ્ઠીમાં સળગાવીને વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો હતો. આજની આ કાર્યવાહી અંગે પૂર્વ
કચ્છ પોલીસવડા સાગર બાગમારે જણાવ્યું હતું કે, વિવિધ પોલીસ મથકો
હેઠળ નોંધાયેલા 446 કેસમાં જપ્ત કરવામાં આવેલા અંદાજે 15,000
કિલો નશાકારક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. આ જથ્થામાં મુખ્યત્વે ચરસ, એમ.ડી. ડ્રગ્સ, ગાંજો, પોષડેડા
સહિતના ઘાતક નાર્કોટિક્સનો સમાવેશ થતો હતો. સૌરાષ્ટ્ર એન્વાયરો કંપનીના ખાસ ભઠ્ઠામાં
પર્યાવરણના નિયમોનું પાલન કરીને આ તમામ મુદ્દામાલ ખાખ કરી દેવાયો હતો. આ વેળાએ એ.ડી.જી.પી.
ખુર્શીદ અહેમદ, આઇ.જી.પી. કે.એન. ડામોર, બોર્ડર રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ
અધીક્ષક સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા,
સુરેન્દ્રનગર પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ, રાજકોટ
ડી.સી.પી. ઝોન-1 હેતલ પટેલ, પૂર્વ કચ્છ એસ.ઓ.જી. પી.આઇ. બી. વી.
બોરીસાગર, એલ.સી.બી. પી.આઇ. જે.એમ. વાળા, લાકડિયા પી.આઇ. ચિરાગ કુગસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યવાહીમાં રાજકોટ
શહેર, ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી,
બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ,
પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ,
ગીર સોમનાથ અને પોરબંદરથી માદક પદાર્થો અહીં લાવી તેનો નાશ કરાયો હતો.
પોલીસ તંત્રના આ કડક પગલાંથી નશાના કાળા કારોબારમાં સંકળાયેલા અસામાજિક તત્ત્વોમાં
ભારે ફાડ પડી હતી.