ભુજ, તા. 26 : વ્યાજનાં વિષચક્રમાં સપડાયેલા
નખત્રાણાના યુવાનના જમીન અને ફ્લેટ ઓળવી લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી સબબ થોડા દિ' પૂર્વે જ ફરિયાદ નોંધાવનારા જિજ્ઞેશ રૂડાણી
ઉપર આજ કામના આરોપી એવા બળુભા સોઢાએ આજે ફરી ઉઘરાણી કરી ઢોર માર મારતાં બનાવને લઇ પાટીદાર
સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સંબંધિતો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે નખત્રાણાની
વિશ્વકર્મા માર્કેટ તરફના ધોરીમાર્ગ પર આવેલા સુંદરમ રિસોર્ટ પાસેની વી. આર. ગ્લાસ
નામની દુકાનમાં ફર્મના સંચાલક જિજ્ઞેશ અરવિંદભાઇ રૂડાણી પેઢી ઉપર બેઠા હતા,
ત્યારે બળુભા તગજી સોઢા ત્યાં આવી પૈસાની લેતી-દેતીના વ્યવહાર સંદર્ભે
દુકાનદાર રૂડાણીને વાત કરતાં માથાકૂટ થઇ હતી, જેમાં બળુભાએ જિજ્ઞેશ
ઉપર તૂટી પડી ઢોર માર માર્યો હતો. આ ઘટનાના વાવડ પાટીદાર સમાજમાં ચોમેર ફરી વળતાં સમાજના
400થી 500 જેટલા સ્થાનિક નખત્રાણા તથા
આજુબાજુના ગામોના લોકો નખત્રાણા પોલીસ સ્ટેશન પહોંચી આવી પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી
અને ગુનેગારને પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. બીજી તરફ
મૂઢમારથી જખ્મી થયેલા જિજ્ઞેશને દેવાશિષ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. પોલીસ
તેનું નિવેદન લેવા માટે હોસ્પિટલમાં ગઇ હતી. આ અંગે પીઆઇ જે. ડી. સરવૈયાનો સંપર્ક કરતાં
જિજ્ઞેશભાઇની ફરિયાદના આધારે બળુભા ઉપર માર મારવા અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી
થઇ છેનું જણાવ્યું હતું.