• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

કડોલ રણ અભયારણ્યમાં દબાણો પર વનવિભાગની તવાઇ

ચોબારી, તા. 5 : છેલ્લા કેટલાક સમયથી ભચાઉ તાલુકામાં આવેલા કડોલ ગામના સફેદ નમકના કાળા કારોબારના ધીકતા ધંધાના સમાચારો વિવિધ માધ્યમોમાં પ્રસિદ્ધ થતાં રહે છે. કેટલાક સમય પૂર્વે રણ પર અતિક્રમણ કરનારાઓએ ફરજ પરના એક વન વિભાગના કર્મી દ્વારા ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ સુદ્ધાં પણ કરવામાં આવી છે. તેવામાં કડોલ રણ અભયારણ્યમાં વનવિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી તાજેતરમાં હાથ ધરાઇ હતી. વનવિભાગે રણમાં 85 હેક્ટર જેટલા વિસ્તારમાં બુલડોઝર ફેરવીને  મીઠું પકવવા માટે થઇ રહેલા દબાણરૂપે પાળાઓ  તોડી પાડયા હતા, જેને લઇને અનેક નમક ઉદ્યોગ સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આવનારા સમયમાં આવા બીજા ગેરકાયદેસર નમક સાથે જોડાયેલાઓ પર તવાઇ થાય તો મોટું કૌભાંડ બહાર આવશે. કડોલથી એકલ સુધી અને નાના રણમાં પણ મોટપાયે દબાણ થઇ રહ્યાની વાત સામે આવી રહી છે. ભૂતકાળમાં નાના રણમાં બેફામ બનેલા નમક માફિયાઓએ હત્યાને અંજામ આપ્યા સુધીની ઘટનાઓ ઘટી ચૂકી છે, ત્યારે ભચાઉ તાલુકાના આ વિસ્તારમાં પણ હજારો એકર દબાણ થઇ રહ્યું છે તે હજુ પણ વધુ તપાસ માગી રહ્યું છે. આ દબાણ સામે ગ્રામજનો રસ્તા પર ઊતરી આવ્યા હતા, પરંતુ જ્યારે વનવિભાગના કર્મચારીની ફરજમાં રૂકાવટ અને એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે ત્યારે આ ઘટના વધુ ગંભીર બની છે. રણ અભયારણ્યમાં મોટી પહોંચ ધરાવનારાઓ તો કહે છે હવે અમારા કારખાનાં કાયદેસર બની ગયાં છે. અભયારણ્યમાંથી બાકાત છે, પરંતુ હજારો હેક્ટરમાં ફેલાયેલા આ વિસ્તારને મંજૂરી કોણે અને કેવી રીતે આવી તે તપાસ થાય તો  બદલીને ગયેલા સંબંધિત કર્મચારી-અધિકારીઓ સુધી રેલો પહોંચી શકે તેમ છે.

Panchang

dd