ભુજ, તા. 3 : માંડવી નજીકના સલાયાના ઈલિયાસ
મામદ પલેજા (ઉ.વ. 60)ની હત્યાના
વર્ષ 2020ના ભારે ચકચારી મામલામાં અધિક
જિલ્લા અદાલતે કેસના ત્રણેય આરોપી મોટા સલાયાના
સુલતાન અભુ ભટ્ટી, જુશબ સીધીક
જુણેજા અને રફીક ઉર્ફે ટેઈલર અબ્દુલ્લા પલેજાને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. સપ્ટેમ્બર-2020માં બનેલા આ બનાવમાં મરનાર
ઈલિયાસ પલેજાને શારીરિક અડપલાંનો શક રાખી બાઈક ઉપર લઈ જઈને માર મારવામાં આવ્યો હતો.
આ પછી સારવાર દરમ્યાન 45 દિવસે તેનું
મૃત્યુ થયું હતું. આ દરમ્યાન મરણોત્તર નિવેદનના આધારે ત્રણેય આરોપી સામે નોંધાયેલા
ગુનાને હત્યામાં તબદીલ કરાયો હતો. જે-તે સમયના અત્યંત ચકચારી એવા આ કેસની સુનાવણી દરમ્યાન
ભુજ સ્થિત અધિક જિલ્લા અદાલતે 27 સાક્ષી અને
બાવીસ દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા. ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળવા સાથે અતિશયોક્તિભરી
જુબાની, સાહેદોની વિરોધાભાષી જુબાની, તબીબી પુરાવામાં મરનારને બાહ્ય ઈજાના નિશાન ન દેખાવા ઉપરાંત ડી.ડી. અને તેમાં
લેવાયેલા અંગૂઠા તથા નજરે જોનારા સાક્ષીના અભાવ સહિતના પરિબળો કેન્દ્રમાં રાખી ત્રણેય
આરોપી સુલતાન ભટ્ટી, જુશબ જુણેજા અને રફીક ઉર્ફે ટેઈલર પલેજાને
નિર્દોષ ઠેરવતો ચુકાદો અપાયો હતો. ચુકાદામાં બદલાની ભાવનાથી ફરિયાદ નોંધાયાની વિગતો
પણ કોર્ટે ધ્યાનમાં લીધી હતી. આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ,
ચિન્મય એચ. આચાર્ય, જિગરદાન એમ. ગઢવી, રોહિત એમ. મહેશ્વરી અને ભૂમિ પી. પંડયા રહ્યા હતા.