ભુજ, તા. 3 : મતદારયાદી વિશેષ સુધારણા ઝુંબેશ
દરમ્યાન ફોર્મ-7નો દુરુપયોગ કરનાર જવાબદારો સામે આકરાં
પગલાં ભરવાની માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
વી.કે. હુંબલની આગેવાનીમાં પશ્ચિમ કચ્છ પોલીસવડાને આવેદનપત્ર પાઠવી મદદગારી કરનાર સત્તાપક્ષના
જવાબદારો સામે ગંભીર આક્ષેપ કર્યા છે. સરની કામગીરીને ખોરવી નાખવા 72,000 જેટલાં ફોર્મ-7 રજૂ કરાયાં હતાં. કોંગ્રેસે લડત આદરતાં
70,000 જેટલાં ફોર્મ અમાન્ય ઠેરવાયાં
હતાં. આમ છતાં તે ષડયંત્ર હાથ ધર્યું તે ગંભીર
હોવાનું કહી અમુક ચોક્કસ સમાજને ટાર્ગેટ બનાવી મતદારયાદીમાંથી નામ દૂર કરવાની પેરવી
રચાઇ હતી. એકસાથે આટલાં ફોર્મ કઇ રીતે જનરેટ થયાં,
અલગ-અલગ સહી અને મોબાઇલ નંબર ફોર્મ પર કેમ લખાયા તે સહિતની બાબતોની એફએસએલ
મારફત તટસ્થ તપાસની માંગ કરાઇ છે. સમગ્ર મુદ્દે ચૂંટણીપંચને રિપોર્ટ કરવાની માંગ પણ
કરાઇ છે. પોલીસ અધીક્ષકની કચેરીએ રજૂઆત કરવા સમયે રફીક મારા, રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, જુમ્મા નોડે, રાવુભા જાડેજા, લાખાજી
સોઢા, કિશોરદાન ગઢવી, શંભુભાઇ ડાંગર,
કાસમ સમા, વિરમ ગઢવી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.