ગાંધીધામ, તા. 3 : શહેરમાં એક આધેડ કોન્ટ્રાક્ટરને
એક કરોડમાં મકાન ખરીદવા અથવા 50 લાખ રોકડા
આપવાની માગણી કરી ન આપો તો પરેશાન કરવાની ધમકી આપનારા સામે ગુનો દર્જ થયો હતો. શહેરના
10-એમાં રહેનાર ફરિયાદી નૈષધ જેઠાલાલ
ઠક્કરે રવીન્દ્ર સબરવાલ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ મેઘપર બોરીચીમાં હોલિડે
રિસોર્ટ પાછળ સલોની બંગ્લોઝ નામે પ્લોટ પાડી ત્યાં સોસાયટી બનાવી હતી, જેમાં પ્લોટ નંબર 29-30 શરૂઆતમાં રશ્મિબા દિલીપસિંહ
સોલંકીએ ખરીદ્યા બાદ તેમની પાસેથી આરોપીએ આ મકાન લીધું હતું. મકાન બૂકિંગ વખતે જે ઓફર
અપાઇ હતી તે પોતાને પણ આપવા નોટિસ સાથે માંગ કરાઇ હતી, જેનો જવાબ ફરિયાદીએ આપી દીધો હતો. પોલીસ મથકે
નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ બાદમાં આક્ષેપિત આરોપીએ મકાન વેચાણ કરી આપવા અથવા
પોતે લઇ લેવા કહ્યું હતું. બાદમાં એક કરોડમાં મકાન ખરીદો અથવા 50 લાખ રોકડાની માંગ કરાઇ હતી.
ન કરો તો જી.ડી.એ.માં તમારી દીકરી સામે ફરિયાદો,
રજૂઆતોનું કહેવાયું હતું. ફરિયાદી ગાંધીધામ કોર્ટમાં ગયા હતા,
ત્યારે પણ આ જ માંગ દોહરાવાઇ હતી. ફરિયાદીએ અગાઉ અરજી કર્યા બાદ પોલીસે
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.