ગાંધીધામ/ભુજ, તા. 18 : અંજારના લાખાપરમાં
ખેતરમાં કામ કરતા હેમંત શામજી માતા (ઉ.વ. 32)ને ટ્રેક્ટર અને થ્રેશર મશીનની વચ્ચેની ચોકડી લાગતાં આ યુવાનનું
ગંભીર ઈજાનાં પગલે મૃત્યુ થયું હતું, જ્યારે ભુજમાં માનસિક રીતે અસ્વસ્થ એવા 32 વર્ષીય પરિણીતા રશીદાબેન રશીદભાઈ
કુરેશીએ આજે એસિડ પી લેતાં તેમનું મૃત્યુ થયું હતું. લાખાપરમાં રહેનાર હેમંત માતા નામનો યુવાન ગઈકાલે
સાંજે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો, દરમ્યાન કામ કરતી વેળાએ કોઈ કારણોસર ટ્રેક્ટર અને મશીન વચ્ચેની ચોકડી તેની
છાતીમાં લાગતાં દબાણ થતાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં
તેનું મોત થયું હતું. બનાવની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ભુજના ભારતનગરમાં રહેતા
અને માનસિક રીતે અસ્વસ્થ એવા રશીદાબેને આજે બપોરે 12 વાગ્યાની આસપાસ એસિડ પી લેતાં
તેમના પતિ રશીદભાઈ શકુરભાઈ કુરેશી તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં
લઈ આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નીવડે
તે પૂર્વે જ બપોરે 3 વાગ્યે સારવાર
દરમ્યાન રશીદાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. પતિ રશીદભાઈએ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસને
વિગતો જાહેર કરી હતી, જેમાં 18 વર્ષનો લગ્ન જીવનગાળો હોવાનું
અને રશીદાબેન માનસિક રીતે બીમાર હોતાં તેમની દવા ચાલુ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી કાર્યવાહી આદરી છે.