ભુજ, તા. 18 : અબડાસા તાલુકાના વમોટી મોટી
ગામે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોવાની અને રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાની
ફરિયાદ ઊઠી છે. ગ્રામજનોએ સહી સાથે નલિયા પીઆઇને પાઠવેલા પત્રમાં જણાવાયું હતું કે, વમોટી મોટીની વાડીમાંથી ખુલ્લેઆમ દેશી-અંગ્રેજી
દારૂ વેચવાની પ્રવૃત્તિથી ગામમાં અરાજકતા ઊભી થાય છે. રજૂઆત કરાય છે તો એ શખ્સો દ્વારા
જાનથી મારી નાખવાની ધમકી અપાય છે. ડરના માહોલમાં
વેપાર-ધંધાને અસર થાય છે, તો નલિયા પોલીસ તંત્રને અન્ય એક અલગ
પત્રમાં મુંદરા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દેવેન્દ્રાસિંહ ભીખુભા જાડેજાએ માગણી
કરી હતી કે, આ દારૂ વેચનારા માથાભારે શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી
કરવી જરૂરી છે, પણ અનેક રજૂઆતો છતાં પગલાં નથી લેવાતાં. દારૂની
બદીથી ગરીબોના ઘર બરબાદ થાય છે. આ ઉપરાંત તેમણે પત્રમાં વમોટી મોટી સીમતળમાં કોઈ પણ
પૂર્વ મંજૂરી વિના 33 કેવી વીજ
લાઈનો નાખવાની કાર્યવાહી રોકવાની પણ માગણી કરી હતી.