• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

ટ્રમ્પના ટેરિફના કારસા સામે ભારત અડિખમ

અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ટેરિફની તલવાર વિંઝવાની તૈયારીમાં છે. યુક્રેનના જંગમાં રશિયાને આર્થિક રીતે નબળું પાડવાના બહાના તળે રશિયન ક્રૂડ તેલની આયાત કરતા દેશો સામે 110 ટકા ટેરિફ લાદવાના ખરડાએ અમેરિકાની સંસદે બહાલી આપી દીધી છે. આ ખરડા તળે મળેલી સત્તાનો હવે ટ્રમ્પ ભારત સહિતના દેશો સામે ઉપયોગ કરીને ફરીવાર આર્થિક મોરચો ખોલશે એવી આશંકા વધુ દૃઢ બની છે.   ઈરાનના મોરચે બહુ ખરાબ રીતે વિફળ રહેલા અમેરિકાને ફરીવાર રશિયાની સામે પ્રતિબંધોને મજબૂત કરવાનાં પગલાં સૂઝ્યાં છે. આમ તો આ અગાઉ ભારત સહિતના દેશોની સામે ટેરિફ લગાવી ચૂકેલા અમેરિકાને પાછળથી પીછેહઠ કરવાની ફરજ પડી હતી.  આ વખતે તો અમુક દેશ પોતાના અન્ય વિકલ્પો તૈયાર રાખીને બેઠા છે.  ભારત પણ આ દેશોમાં સામેલ છે. કોઈ પણ દેશને અમેરિકામાં નિકાસ થતા પોતાના ઉત્પાદનોથી ભારે આવક થતી હોય છે, પણ તેના પર 110 ટકા ટેરિફ લદાય તો આ આયાત પર અવળી અસર પડતી હોય છે, પણ ગયાં વર્ષે પણ અમેરિકાએ આવું પગલું લીધું હતું, ત્યારે ભારતે વૈકલ્પિક માર્ગ ખોળી રાખ્યો હતો, તેને લીધે ભારત પડકારને પહોંચી વળવામાં મદદ મળી હતી. આમ તો આજકાલના સમયમાં વિશ્વ માત્ર અમેરિકાની મનમાની પર ચાલતું નથી. બહુધ્રુવીય વ્યવસ્થામાં અમેરિકાનો પ્રભાવ હવે ઓસરી રહ્યો છે, પણ સવાલ એ છે કે, અમેરિકાને તેની મર્યાદાઓ હજી ગળે ઊતરતી નથી. તેના ટેરિફનાં પગલાંથી ભારત સહિતના દેશોને વિકલ્પો અમલમાં મૂકવામાં સમય અને શક્તિ બંનેનો વ્યય કરવો પડશે. ગયા મહિને અમેરિકાની પ્રતિનિધિ સભાએ લિંડસે ગ્રેહામ સૈંકશનિંગ રૂસ એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026 પસાર કર્યો હતો. હવે ટ્રમ્પ આ ખરડા પર સહી કરે એટલે અમલી બનતા આ કાયદા તળે ભારત અને ચીન જેવા દેશોની સામે ટેરિફ લાદવાની શક્યતા હવે પ્રબળ બની છે.આમ આ નવા ખરડાએ ટ્રમ્પને દુનિયામાં કોઈની પણ સામે કોઈ પણ સમયે ટેરિફનું યુદ્ધ શરૂ કરવાનું હથિયાર સોંપી દીધું છે. તેઓ તેમની પ્રકૃતિ મુજબ પોતાને ઠીક લાગે તે દેશને પોતાના પ્રભાવમાં લવવા આ શત્રનો દબાણ તરીકે ઉપયોગ કરી શકશે. આમ તો ગયા વર્ષે અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવા બદલ ભારતની સામે પ0 ટકા ટેરિફ લાદી દીધો હતો, પણ તે પછી એક વેપારી કરાર હેઠળ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ટેરિફ હટાવાયો હતો.હવે આશંકા પ્રબળ બની રહી છે કે, ટ્રમ્પ આ ખરડાને બહાલી આપી દે તે પછી રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત અને ચીન સામે નવેસરથી ટેરિફ લદાઈ શકે છે. જો કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, ક્રૂડ તેલના મામલે તે પોતાના વેપાર અને આર્થિક હિતોના રક્ષણ માટે કોઈ પણ જરૂરી પગલાં લેવા માટે કટિબદ્ધ છે. ભારતના વિદેશ મંત્રાલયે પણ પ્રતિભાવમાં કહ્યંy છે કે, ઊર્જા સલામતી માટે થઈને બદલાતી જતી બજારની પરિસ્થિતિને અનુરૂપ તે તેલની આયાતના શ્રોતોમાં વિવિધતા લવાઈ રહી છે. આમે રશિયા સાથેની ગાઢ મિત્રતાને પગલે અને પોતાની  ઊર્જા જરૂરતોને પૂરી કરવા ભારતે છેલ્લા ઘણા સમયથી રશિયન તેલની આયાત સતત વધારી છે. હવે અમેરિકા ટેરિફની ધમકીથી ભારતને આ આયાતને મર્યાદિત રાખવાની ફરજ પાડવાનો ઈરાદો ધરાવે છે, પણ હવે ભારત આવા કોઈ પણ પડકારને પહોંચી વળવા સજ્જ થયું હોવાથી ટ્રમ્પના ઈરાદા ફળીભૂત થાય તેમ જણાતું નથી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd