નખત્રાણા, તા. 18 : પશ્ચિમ કચ્છના મુખ્ય અને સૌથી
વધુ વસ્તી, વિસ્તાર ધરાવતા નખત્રાણા
તાલુકા મથકની ભાગોળે પ્રતિ વરસે ભાદરવા સુદ 10-11-12ના પરંપરાગત યોજાતા રામદેવપીરના મેળાનું આયોજન આ વરસે સૌપ્રથમ
વાર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. પાલિકાની મળેલી બેઠકમાં તા. 21/9થી 23/9 સુધી ત્રિદિવસીય મેળા સંદર્ભે
વિગત આપતાં કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, મેળાનું ઉદ્ઘાટન તા. 21/9 સોમવારે સાંજે 5 કલાકે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કરશે.
મુખ્ય અતિથિ નાયબ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલ, પાલિકાના પ્રમુખ વસંત વાઘેલા, તા.પં. પ્રમુખ ભારતીબેન
ગોસ્વામી, મામલતદાર રાકેશ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં મેળો ખુલ્લો
મુકાશે. તા. 23/9 બુધવારે સાંજે
બખ મલાખડો યોજાશે, સાથે ત્રિદિવસીય
લોકમેળો સંપન્ન થશે. ધંધાદારીઓને શુદ્ધતા, સ્વચ્છતા જાળવવા પાલિકા
દ્વારા સૂચના જારી કરવામાં આવી છે. ચાલુ ચોમાસામાં પાછોતરા થયેલા વરસાદથી મેળામાં જમાવટ
થશે તેવી ધારણા છે, જેને લઈને મેળા સ્થળે દૂરદૂરના મનોરંજનનાં
સાધનો લઈ આવેલા ધંધાદારીઓ દ્વારા ગોઠવવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સીસીટીવી
કેમેરા સાથે પોલીસ બંદોબસ્ત જાળવશે તેવું પી.આઈ. અશોક પટેલે જણાવ્યું હતું.