• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

ગણેશોત્સવ પણ હવે ગુજરાતનો

સ્વરાજ્યની સદ્ભાવના લોકહૈયે જુવાળ રુપે પ્રગટે તેવા ઉમદા ઉદ્દેશ્યથી બાળગંગાધર ટીળકે 1890ના દાયકે મહારાષ્ટ્રમાં શરૂ કરેલો ગણપતિ ઉત્સવ દેશના અન્ય હિસ્સાઓમાં પણ પહોંચ્યો છે, પાડોશી રાજ્યના નાતે અને ઉત્સવ માટે સદાય ઉત્સુક રહેતા ગુજરાતે દોઢ દાયકાથી આ પર્વને પોતાનું બનાવી દીધું છે. સુરત-વડોદરામાં મોટા પ્રમાણમાં ઉજવાતું વિઘ્નહર્તાનું આ પર્વ ગુજરાતના ગામે-ગામ નહીં, ગલી ગલી પહોંચ્યું છે. લાલબાગ ચા રાજાની પેટર્ન ઉપર દરેક શેરીએ અને ઘરોમાં ગણરાજ ગણનાયકની સ્થાપના થઈ છે. એક અવલોકન એવું છે કે શ્રાવણ માસમાં શિવ આરાધના અને નવરાત્રીમાં શાત્રોક્ત ઉપાસનાની વચ્ચે આવતું આ પર્વ ધર્મની સાથે જ સામાજિક મેળાવડાનું પણ માધ્યમ બની રહ્યું છે. ગુજરાતમાં નવરાત્રી અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વ દિવાળી પછી સૌથી મોટા ધાર્મિક-સામાજિક ઉત્સવો છે હવે ગણેશ ઉત્સવનો પણ તેમાં ઉમેરો થયો છે. મહારાષ્ટ્ર મંડળ જેવી સંસ્થાઓ તદ્દન સાદાઈથી સિમિત સમુહ માટે ગણેશ સ્થાપન કરતી અને ત્યાં કિર્તન-આરતી થતાં હવે વિશાળ પંડાલ, વિરાટ પ્રતિમાઓ સાથે ગણેશ સ્થાપન થઈ રહ્યાં છે. ગુજરાતે મહારાષ્ટ્રના આ ઉત્સવને વધાવી લીધો છે. અન્ય ધર્મપર્વની સરખામણીમાં ગણેશોત્સવ એટલા માટે મોટા સમૂહને આકર્ષે છે કે અહીં ઉપવાસ-એકટાણા નથી, સોસાયટી, સંગઠનો દ્વારા આયોજન થાય ત્યાં પ્રસાદ અને ભોજની વિવિધતા હોય છે. ગુજરાતમાં પણ હવે આ ઉત્સવનું ધાર્મિક અર્થતંત્ર ઊભું થયું છે. શ્રાવણી મેળાઓ અને આસોમાં નવરાત્રી-દીવાળીની વચ્ચે હવે ભાદરવો પણ કોરો નથી જઈ રહ્યો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd