કોલકાતા, તા. 18 : પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ
કોંગ્રેસના રાજકીય સંગ્રામમાં કેન્દ્રબિંદુ સમાન નંદીગ્રામની લડાઇમાં નવો વળાંક આવ્યો
છે. `ખેલા'
સમાન ઘટનાક્રમથી રાજકીય ગરમી સર્જાઈ છે. પેટાચૂંટણી માટે મમતા બેનર્જીએ
ઉતારેલાં ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ પેટાચૂંટણીના 18 દિવસ પહેલાં ઉમેદવારી પાછી
ખેંચી લીધી હતી. સંચિતા મેદાનમાંથી હટ્યા પછી મમતા બેનર્જીએ એલાન કર્યું હતું કે, તેમનું જૂથ નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસના
ઉમેદવાર મિલન પ્રધાનનું સમર્થન કરશે. જો કે, ત્યારબાદ પોલીસે
એક જૂના કેસમાં મિલનની અને પછી પક્ષના મહામંત્રી સુભાશિષ ભટ્ટાચાર્યની પણ ધરપકડ કરી
હોવાનો દાવો છે. મમતાએ ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આ ભાજપની જૂની સ્ટાઈલ છે કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર સવાલો ઊભા થાય છે. આ
બદલાની રાજનીતિ છે. તે લોકશાહીની હત્યા કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ
કર્યો હતો કે, ભાજપ ચૂંટણી ઈચ્છતી નથી. પ.બંગાલના મુખ્યમંત્રી
શુભેન્દુ અધિકારીએ આ પ્રકરણમાં ભાજપની ભૂમિકાનો ઈન્કાર કરીને કહ્યું કે, તૃણમૂલ તેનો પક્ષ સાચવી નથી શકયો. છઠ્ઠી ઓકટોબરે યોજાનારી ચૂંટણીમાં મમતાના
ઉમેદવાર સંચિતાએ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી હતી,
ત્યારબાદ ઉમેદવારી પાછી ખેંચી હતી. નંદીગ્રામ બેઠક પર ભાજપે શુભેન્દુ
અધિકારીના પીએ ચંદ્રનાથ રથના માતા હસીરાની રથને મેદાનમાં ઉતાર્યા છે. ચંદ્રનાથ રથની
થોડા મહિના પૂર્વે હત્યા થઈ હતી. આ ઘટનાક્રમથી નારાજ મમતાએ
આરોપ મૂક્યો હતો કે, ભાજપે મારા
પક્ષનું અપહરણ કરી લીધું છે. આજે દેશના લોકતાંત્રિક ઇતિહાસનો કાળો દિવસ છે. મમતાએ પત્રકાર
પરિષદ સંબોધતાં કહ્યું હતું કે, ગઇકાલે ગુરુવારે કોંગ્રેસ સાંસદ
રાહુલ ગાંધીએ મને ફોન કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રીએ ઇન્ડિયા જોડાણ સાથે એકજૂટતા બતાવતાં
કહ્યું હતું કે, અમે સૌ સાથે મળીને લડાઇ લડીશું. કોંગ્રેસના ઉમેદવારને
સમર્થન છે. મમતાએ આરોપ મૂક્યો હતો કે, મારા પક્ષને હરાવવા માટે
મતદારયાદી સુધારા (સર)નો ઉપયોગ કરાયો અને ઇવીએમને હાઇજેક કરાયાં. તેમણે ચૂંટણીપંચ પર
ભાજપનો અહ્મ પોષવા માટે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.