• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

દેવીસરમાં શિક્ષકની માંગ ન સંતોષાય તો વાલીઓ દ્વારા તાળાંબંધીની ચીમકી

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 18 : નખત્રાણા તાલુકાના દેવીસર ગામની હાઇસ્કૂલમાં 100 વિદ્યાર્થી સામે એક આચાર્ય અને ત્રણ શિક્ષક હતા તેમાંથી બે શિક્ષકને અન્ય ગામે વ્યવસ્થામાં મૂકવામાં આવતાં દેવીસર સરપંચ અને વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને શિક્ષક ઘટની માંગ ન સંતોષાય તો શાળાને તાળાંબંધી કરવાની ચીમકી અપાઇ છે. મળતી માહિતી મુજબ આ દેવીસરની શાળાનું છેલ્લા 2 વર્ષથી 100 ટકા પરિણામ આવે છે અને આ શાળામાં આજુબાજુ ગામોના વિદ્યાર્થીઓ પણ શિક્ષણના સિંચન માટે આવે છે. શાળામાં અંગ્રેજી શિક્ષકની લાંબા સમયથી ઘટ છે જે અન્ય શાળામાં ચાર્જે છે અને હવે ગણિત અને વિજ્ઞાનના અતિ મહત્ત્વના શિક્ષકોને બાજુના અન્ય ગામોની શાળામાં ચાર્જ અપાતાં પરિસ્થિતિ વધુ વણસી છે. વિજ્ઞાન, અંગ્રેજી, ગણિત જેવા મહત્ત્વના વિષય શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના દૈનિક શિક્ષણકાર્ય પર અસર થયાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો. આ અંગે વાલીઓ, સરપંચ પ્રતિનિધિ, ન્યાય સમિતિના ચેરમેન, વિવિધ સમાજોના આગેવાનો એકત્રિત થઇને પોસ્ટરો સાથે શિક્ષક ઘટ માટે વિરોધ દર્શાવાયો હતો. આ અંગે દેવીસરના અગ્રણીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ટેલિફોનથી રજૂઆત કરતાં આઠ દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તો કચ્છ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઇ રૂડાણીનો સંપર્ક કરતાં તેમણે દેવીસરના સરપંચ પ્રતિનિધિને આ અંગે યોગ્ય કરવા હૈયાધારણ આપી હતી. વાલીઓએ શાળાના આચાર્યને મૌખિક રજૂઆત કરતાં શિક્ષક અંગે યોગ્ય કરવાની ખાતરીની વાત કરી હતી. આ શાળામાં દેવીસર, નાની-મોટી અરલ, દેવસર, ગોધિયાર, લાખિયારવીરા, ભીમસર, વિરાણી મોટીના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. 3 મહિનાની શિક્ષક ઘટની માંગ તાત્કાલિક નહીં સંતોષાય તો તાળાંબંધી જેવા કાર્યક્રમો કરવામાં આવશે એવી ચીમકી અપાઇ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd