ભુજ, તા. 18 : ઉનાળાની સખત ગરમીમાં જમીન નીચે
તાપ વધવાથી અને ચોમાસામાં દરમાં પાણી ભરાવાથી સાપ બહાર આવવાના બનાવો વધવા સાથે લોકોને
દંશ દેવાની ઘટનાઓ વધતી હોય છે. કચ્છમાં કુલ્લ 302 લોકોને સર્પ કરડવાના બનાવો બન્યા છે. સદભાગ્યે કોઈનું મૃત્યુ નથી થયું. સર્પદંશના બનાવો
મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારના વાડીઓમાં કામ કરતા શ્રમજીવીઓને લગતા હોય છે. કચ્છમાં સર્પદંશના
સૌથી વધુ બનાવ ભુજ તાલુકામાં 161, તો સૌથી ઓછો
એક બનાવ લખપત તાલુકામાં નોંધાયો છે. ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 33 કેસ, ભચાઉ તાલુકામાં 28, માંડવીમાં 22, અબડાસામાં 19, નખત્રાણામાં 18, અંજારમાં 15, રાપરમાં 3 અને મુંદરા તાલુકામાં બે ઘટના બની હતી.
સરકારી પ્રાથમિક, સામૂહિક સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ તમામ હોસ્પિટલમાં
સાપના ઝેર વિરોધી એન્ટિ સ્નેક વેનમનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના
ડો. કેશવકુમાર સિંઘે જણાવ્યું હતું. એન્ટિ સ્નેક વેનમ આપવા અંગે દર્દીની સ્થિતિ -લક્ષણ
અને ગંભીરતા જોઈને એમબીબીએસ ડોકટર દ્વારા નિર્ણય લેવાય છે.