કાઠડા (તા.માંડવી), તા. 18 : માંડવી તા.ના
ગઢશીશા ચોકડીથી જૈન આશ્રમ સુધીના ત્રણ કિ.મી.ના માર્ગનું તાજેતરમાં જ કરોડના ખર્ચે
નવીનીકરણ કરાયું હતું, પરંતુ આ માર્ગમાં
મસમોટા ખાડા પડી જતાં કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ માંડવી જૈન
આશ્રમથી ગઢશીશા ચોકડી સુધીના નેશનલ હાઈ-વેને પહોળો કરી કરોડોના ખર્ચે નવીનીકરણ કરાયું
હતું. નવીનીકરણની કામગીરી થોડા સમય પહેલાં
જ કરાઈ હતી અને ટૂંકા સમયગાળામાં જ આ માર્ગમાં વન
વિભાગની કચેરી અને પોલીસ સ્ટેશનની સામે તેમજ પુલ પર મસમોટા ખાડા પડી ગયા છે,
જેથી કામગીરીની ગુણવત્તા, ઉપયોગમાં લેવાયેલી સામગ્રી
સામે સ્થાનિક લોકો પ્રશ્નો ઊઠાવી રહ્યા છે. આ માર્ગ પર દિવસ દરમ્યાન મુસાફર વાહનો,
દ્વિચક્રી વાહનો તેમજ ભારેખમ મોટા વાહનોની સતત અવર-જવર રહેતી હોય છે,
ત્યારે ખાડાના કારણે પસાર થતા વાહનચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે.