ગાંધીધામ, તા. 18 : અહીંના કંડલા વિશેષ આર્થિક
ક્ષેત્રમાં આવેલી એક કંપનીમાં ઓવર વેલ્યુએશનના નેટવર્ક પર કંડલા કસ્ટમની વિશેષ ગુપ્તચર
અને તપાસ શાખા (એસ.આઈ.આઈ.બી.) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ કડક કાર્યવાહીના પગલે
ગેરરીતી આચરતા દાણચોરો અને કૌભાંડીઓમાં ભારે ફફડાટ પ્રસર્યો છે. કંડલા કસ્ટમની એસ.આઈ.આઈ.બી.ની
ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ટીમે ગઈકાલે વહેલી સવારથી જ સંબંધિત યુનિટમાં કાર્યવાહી
કરીને ધામા નાખ્યા હતા. અધિકારીઓ દ્વારા યુનીટના તમામ મહત્વના દસ્તાવેજો અને ચોપડાઓની
ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેથી તપાસ પૂરી થયા બાદ આ બહુચર્ચિત કૌભાંડમાં
કેટલા નવા અને ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી પૂરી શક્યતા દર્શાવાઈ રહી છે. આ પ્રાથમિક તપાસ દરમ્યાન કૌભાંડના તાર ગુજરાત બહાર
સુધી લંબાયા હોવાની શંકા સેવાઈ રહી છે. આ પ્રકરણમાં અમદાવાદ સ્થિત યુનિટધારક માત્ર
કાગળ પર જ હોય એટલે ડમી હોવાની પણ પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. જ્યારે આ સમગ્ર કૌભાંડ
પાછળ મુંબઈ આધારીત પાર્ટીઓનો મુખ્ય ખેલ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. આ ઉપરાંત
સ્થાનિક સ્તરે સેટીંગ કરી આપતા ગોઠવણીકારો, વચેટીયાઓની ભૂમિકા પણ શંકાના ઘેરામાં હોવાનું જાણવા મળે છે. સમગ્ર નેટવર્ક
ચલાવતા સ્થાનિક મદદગારો સામે કાયદાનો હાથ લાંબો ક્યારે થશે અને ક્યારે કાયદાકીય ધોંસ
બોલાવાશે તેના પર સૌની નજર ટકેલી છે. ભ્રષ્ટાચાર પર તંત્રનો આ ઘાતક પ્રહાર ગણવામાં
આવી રહ્યો છે. ઓવર વેલ્યુએશનના આ પ્રકરણમાં આગામી સમયમાં નવા કડાકા ભડાકા થવાની સંભાવના
વ્યક્ત કરવામાં આવી હતી. જો કે કાસેઝના જન સંપર્ક અધિકારીએ આ કાર્યવાહીને રૂટીન ગણાવી
હતી.