ગાંધીધામ, તા. 18 : કંડલા બંદર ઉપર જેટી નંબર બે
પાસે ટ્રકનું ફાલ્કું ખોલતી વખતે બંને આંકડી ખૂલી જતાં કપચીના ઢગલામાં દટાઇ જતાં શ્રમિક
ઉમેશરામ યનારામ (ઉ.વ. 46)એ જીવ ખોયો
હતો. બીજીબાજુ ગાંધીધામ નજીક સુરેશકુમાર તુલસારામ ચૌધરી (જાટ) (ઉ.વ. 23)ને અજાણ્યા વાહને હડફેટમાં
લેતાં તેનું મોત થયું હતું. કંડલા દીનદયાળ પોર્ટની જેટી નંબર બે પાસે ગઇકાલે રાત્રે
8 વાગ્યાના અરસામાં આ જીવલેણ બનાવ બન્યો હતો.
પી.એસ.એલ. કાર્ગો ગાંધીધામમાં રહેનાર મૂળ પટના બિહારનો ઉમેશરામ નામનો શ્રમિક કંડલા
પોર્ટ ઉપર હતો. આ શ્રમિક કામ કરવા દરમ્યાન કપચી ભરેલી ટ્રકનું ફાલ્કું ખોલવા જતાં બંને
આંકડા ખૂલી જતાં કપચીનો ઢગલો તેના ઉપર પડયો હતો જેમાં આ યુવાન તેમાં દટાઇ ગયો હતો.
કપચીના આ ઢગલામાં તે અડધાથી એક કલાક સુધી પડયો રહ્યો હતો. બાદમાં આસપાસના લોકોનું ધ્યાન
જતાં તેની લાશ બહાર કાઢવામાં આવી હતી. તેને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને
મૃત જાહેર કર્યો હતો. પોર્ટ પર વારંવાર બનતા આવા બનાવોથી શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો
ફરી એકવાર સપાટી ઉપર આવ્યો હતો. બીજીબાજુ ગાંધીધામથી ભચાઉ જતા માર્ગ પર એ. વી. જોશી
પુલિયા પહેલાં અકસ્માત સર્જાયો હતો. થોડાક દિવસથી સાલાસર રોડ કેરિયર્સ ટ્રાન્સપોર્ટમાં
ડ્રાઇવર તરીકે નોકરીએ લાગેલા સુરેશકુમારનું મોત થયું હતું. તે પોતાના કબજાનું ટ્રેઇલર
નંબર જી.જે. -39-ટી.-1272વાળું લઇને રોડની બાજુમાં પાર્ક
કરી માર્ગ ઓળંગવા જતાં અજાણ્યા વાહને તેને હડફેટમાં લીધો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ
પહોંચતાં તેનું મોત થયું હતું. અકસ્માત કરી નાસી જનારા વાહનચાલક સામે આચુલાલ ભારમલરામ
ચૌધરી (જાટ)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.