બિહારમાં મોદી-નીતીશ મોડેલ લાગુ કરવાના એલાન સાથે સમ્રાટ ચૌધરીએ
સત્તાની બાગડોર સંભાળી લીધી છે. લાલુપ્રસાદ યાદવ,
નીતીશકુમાર અને રામવિલાસ પાસવાને જ્યાં વર્ચસ્વ ભોગવ્યું છે એ રાજ્યમાં
ભાજપના મુખ્યમંત્રી બને એ ઐતિહાસિક ઘટના છે. ગઇ લોકસભા ચૂંટણીમાં જનતાદળ યુનાઇટેડે
(જે.ડી.યુ.)એ શાનદાર દેખાવ કરીને કેન્દ્રમાં મોદીનાં નેતૃત્વમાં એન.ડી.એ.ની મજબૂત સરકારની
સ્થાપના કરી, એ સમયે ધારણા એવી રખાતી હતી કે, નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુની સત્તામાં ભાગીદારી હોવાથી મોદી સરકાર માટે પોતાના એજન્ડા પ્રમાણે કામ કરવું આસાન નહીં રહે,
એ ધારણાથી વિરુદ્ધ અત્યાર સુધીની કહાણી રહી છે. એકાએક રાજ્યસભામાં ચૂંટાઇને
નીતીશકુમારે રાષ્ટ્રીય રાજનીતિમાં પુનરાગમનનું એલાન કર્યું ત્યારથી બિહારમાં ભાજપને
સત્તાનો યોગ નિશ્ચિત થઇ ગયો હતો. બિહારમાં 21 વર્ષ નિરંતર નીતીશકુમારનો દોર ચાલ્યો. ચારા કૌભાંડ સહિત કેટલાંય
કૌભાંડોમાં સંડોવણીના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા લાલુપ્રસાદ યાદવ એક કોરાણે મુકાયા
પછી નીતીશ જ બિહારના સર્વમાન્ય નેતા રહ્યા છે. સમ્રાટ ચૌધરી અતિ પછાતવર્ગ એવા કુશવાહામાંથી
આવે છે. આમ તો તેઓ લાંબા અરસાથી રાજ્યની રાજનીતિમાં ધારાસભ્ય, મંત્રીપદ અને નાયબ મુખ્યમંત્રી પદ ધારણ કરીને જાણીતું નામ બની રહ્યા હતા. સમ્રાટ
ચૌધરીએ નવા મંત્રીમંડળની રચના કરી છે અને વિધિવત કામકાજ સંભાળી લીધું છે. બિહારની રાજનીતિમાં
આ નિર્ણાયક સમય માનવામાં આવે છે. 2025ની વિધાનસભા ચૂંટણીમા એનડીએએ પ્ર્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી
રાખી હતી. 243 કુલ સીટમાંથી ભાજપે સૌથી વધુ 89, જેડી-યુએ 85 અને એલજીપીએ 19 બેઠક મેળવી હતી. આમ એનડીએની કુલ 202 બેઠક સામે રાજદ (25), કોંગ્રેસ (6), ડાબેરી (4) યુતિ માત્ર
35માં સંકોચાઇ ગઇ હતી. જેડીયુ-ભાજપની યુતિએ
બિહારની જનતાનો ભરોસો જીત્યો છે. નીતીશના દિલ્હીગમન પછી યુતિની આ મજબૂતાઇ-લોકોનો વિશ્વાસ
જળવાઇ રહે એ જોવાની જવાબદારી સમ્રાટ ચૌધરી સરકારની રહેશે. નીતીશકુમારે છેલ્લા બે દાયકાના
શાસનમાં બિહારને જંગલરાજ મુક્ત કર્યું અને આગળ વધાર્યું. નીતીશ સરકારના કામકાજની તુલના
લાલુપ્રસાદના જંગલરાજ સાથે થતી એટલે પરિણામ ઘણું સારું દેખાતું. આજનું બિહાર વિકસિત
બની રહ્યું છે, પ્રગતિશીલ રાજ્ય છે એટલે
બિહારને નીતીશકુમાર કરતાંય વધુ આગળ લઇ જવાનો પડકાર રહેશે. સમ્રાટ સરકારના દેખાવની તુલના નીતીશના સુશાસન સાથે
થશે. બિહારમાં અત્યાર સુધી ભાજપ સહયોગીની ભૂમિકામાં હતો, હવે
નેતૃત્વ સંભાળવાનું હોવાથી તેમાં મોટી પરીક્ષા થશે. નીતીશકુમારનું રાજપાટ સંભાળ્યા
પછી યુતિની અપેક્ષાઓ અને જનતાની આકાંક્ષાઓનું પણ જતન કરવું પડશે. સમ્રાટ ચૌધરી સમક્ષ સૌથી મોટી પરીક્ષા વહીવટી ગતિશીલતા
અને ઇનોવેશન વચ્ચે સંતુલન જાળવવાની પણ રહેશે. બિહાર જેવાં રાજ્યમાં હજુ માળખાંકીય સુવિધાઓ,
રોજગાર અને શિક્ષણ મોરચે ઘણું કામ કરવાનું બાકી છે. માત્ર વચનો અને જાહેરાતોથી
કામ નહીં થાય, નક્કર પરિણામ દેખાડવું પડશે. બિહારમાં જાતિગત રાજનીતિ
સમીકરણો ખૂબ સંવેદનશીલ છે. ભાજપે સમજવું પડશે કે, અહીં માત્ર
વિચારધારાની રાજનીતિ નહીં ચાલે, સામાજિક સમીકરણો અને ભૂમિગત સંવેદનશીલતા
પણ પ્રભાવક રહેશે. નીતીશકુમારે સમ્રાટ ચૌધરીને પૂરું સમર્થન આપ્યું છે. કેન્દ્ર અને
રાજ્ય સરકાર વચ્ચે ઉમદા તાલમેલ રાખીને બિહારની જનતાના હિતમાં ફાયદો ઊઠાવવાનો આ યોગ્ય સમય છે. ટૂંકમાં બિહારમાં સરકારનો બદલાવ ભાજપ
માટે અવસરે છે અને પરીક્ષાએ છે.