• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

માંડવી નગરપાલિકાના ત્રણ વોર્ડમાં ત્રિપાંખિયો સંગ્રામ

માંડવી, તા. 15 : સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી સંબંધે નગર સેવા સદન માટે આજે નામાંકનપત્રો પરત ખેંચાયા પછી 36ના જનરલ બોર્ડ માટે 77 ઉમેદવાર મેદાન જંગમાં બરકરાર રહ્યા હતા. આ પૈકી નવ વોર્ડ માટે ભાજપના 36, કોંગ્રેસ તરફે 33 અને આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવાર કિસ્મતના પારખાં કરી રહ્યા છે. આજે આપના એક પ્રત્યાશીએ મેદાન છોડી દીધું હતું. વોર્ડ 1થી 3માં ત્રિપાંખિયો જંગ, જ્યારે વોર્ડ 4થી 9 ઉપર ભાજપા-કોંગ્રેસ વચ્ચે સીધો બળાબળનો મુકાબલો યોજાઇ રહ્યો છે.નગર સેવા સદનની ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર અને નાયબ જિ.વિ. અધિકારી વિજયાબેન એમ. પ્રજાપતિ સાથે એ.આર.ઓ. કમલેશભાઇ બી. ખટારિયાએ આપેલી જાણકારી પ્રમાણે ટેકનિકલ કારણોસર એક ફોર્મ રદ થયા પછી આજે આમ આદમી પાર્ટીના એક પ્રત્યાશીએ સંકેલો કરી લેતાં હવે ત્રણ વોર્ડ ઉપર ત્રિપાંખિયો સંગ્રામ, જ્યારે છ ઉપર સીધી ટક્કર પંજા અને કમળ વચ્ચે પાધરી થઇ છે. - નખત્રાણામાં 57 ઉમેદવાર મેદાનમાં : નખત્રાણા, તા. 15 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ખેંચવાના આજે છેલ્લા દિવસે નખત્રાણા નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠક માટે સૌપ્રથમ યોજાનારી ચૂંટણીમાં વોર્ડ નં. 4માં મનન કલ્પેશ લુહાર તથા વોર્ડ નં. 5માં મધુબેન ચંદુભાઇ સુથાર બંને ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે બાકીની 26 બેઠકની યોજાનારી ચૂંટણીમાં વોર્ડ નં. 6માં એક માત્ર જયેશ ખેંગારભાઇ સોનીએ અપક્ષ ઉમેદવારી કરતાં એકમાત્ર બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે, જ્યારે બાકીની 25 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. તાલુકા પંચાયતની 18 બેઠક માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અંગિયા નાના, કોટડા (જ), નેત્રા, રસલિયા, તલ સહિત પાંચ બેઠક સિવાય તા.પં.ની 13 બેઠક પર કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધી ટક્કરની ચૂંટણી થશે. - નખત્રાણા તા.પં. માટે 42 ઉમેદવાર મેદાનમાં : નખત્રાણા, તા. 15 : નખત્રાણા તા. પંચાયતમાં 47 ઉમેદવારનાં ફોર્મ ચકાસણી બાદ માન્ય રખાયાં હતાં, જેમાંથી પાંચ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં હવે 42 દાવેદાર મેદાનમાં રહ્યા છે. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. 

Panchang

dd