• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

પત્નીએ રોટલા ન બનાવી આપતાં પતિએ ધોકા-ચાકુથી ઢીમ ઢાળ્યું

ભુજ, તા. 15 : નખત્રાણા તાલુકાના મોટા ધાવડાની વાડીમાં 35 વર્ષીય પરિણીતા નબુબેન જેન્તીલાલ મીઠુ કોલી પગી (રહે. વિથોણ)એ ગઈકાલે રાતે રોટલા ન બનાવી આપતાં તેના પતિ જેન્તીલાલે ઝઘડો કરી ધોકા અને ચાકુથી ઢોરમાર મારી તેનું ઢીમ ઢાળી દેતાં ચકચાર પ્રસરી છે. આ હત્યાના બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે મૃતક નબુબેનના ભાઈ દેવજીભાઈ કોલી (રહે. યક્ષ તા. નખત્રાણા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે ફોન આવતાં બહેન અને બનેવી મોટા ધાવડાની સીમમાં રવિલાલ પદમાણીની વાડીએ છૂટક મજૂરી કરતા હતા, ત્યાં ગયા હતા જ્યાં પોલીસ અને અમુક લોકો હાજર હતા. વાડી જવાના રસ્તે સાઈડમાં જમીન પર નબુબેનની લાશ પડી હતી. શરીરે મારઝૂડના નિશાન હતા. ગાલ પર ઊંડો ઘા હતો જેમાંથી લોહી નીકળતું હતું. વાડીએ મકાન પર બનેવી જેન્તીલાલ હાજર હતા, ફરિયાદીએ તેને બનાવ બાબતે પૂછતાં જેન્તીલાલે જણાવ્યું કે, ગઈરાતે મેં તારી બહેન નબુને રોટલા બનાવી આપવાનું કહેતાં તેણે ના પાડતાં અમારા બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેથી મને ગુસ્સો આવતાં લાકડાંના ધોકા અને ચાકુથી માર માર્યો હતો. આમ મારી બહેન નબુને તેના પતિએ ધોકા અને ચાકુથી માર મારી તેની હત્યા નીપજાવી હતી.  નખત્રાણા પોલીસે આરોપી જેન્તીલાલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Panchang

dd