• બુધવાર, 15 એપ્રિલ, 2026

શ્રમિકોનું હિંસક આંદોલન

ઇરાન-અમેરિકા યુદ્ધના ઓછાયામાં દુનિયાભરના દેશો સામે મંદીનો ભય ઝળૂંબી રહ્યો છે. હોર્મુઝ ખાડી વિખવાદનું કેન્દ્ર બની રહેતાં એકતરફ પેટ્રોલિયમ પેદાશોનો પુરવઠો ખોરવાઇ ગયો છે. બીજી તરફ જળમાર્ગે થતી આયાત-નિકાસે પ્રભાવિત થતાં વેપાર-કારોબારને પ્રતિકૂળ અસર દેખાવા લાગી છે. નિરાશા અને ઉચાટનો માહોલ નકારાત્મક અસર ઊભી કરે છે. કેમ કે, આમ આદમીનું જીવનધોરણ મુશ્કેલીમાં મુકાયું છે. આવક ઘટતી ચાલી છે અને મોંઘવારી બેકાબૂ બની છે. ચીજવસ્તુઓની કિંમતો વધી ગઇ. પુરવઠો પૂરતો હોવાના સરકારના લગાતાર દાવા વચ્ચે લોકોને ગેસ સિલિન્ડર મેળવવામાં દોડધામ કરવી પડે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ મૃતપ્રાય હોય તેમ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને દુનિયા આખીના ધણી સમજીને  નિર્ણયો  થોપી  રહ્યા છે. મોંઘવારી અને ચીજવસ્તુઓની તંગી વચ્ચે રોજબરોજનું કમાઇ ખાનારા પરિવારોની ચિંતાએ શ્રમિકોને બેચેન બનાવ્યા છે. લોકોનો આક્રોશ હવે રસ્તા પર આવી જવા લાગ્યો છે. સોમવારે ઉત્તરપ્રદેશના નોયડા ખાતે ફેક્ટરીના શ્રમિકોએ વેતનવૃદ્ધિની માંગ સાથે હિંસક આંદોલન કર્યું. તેનો ચેપ છેક હરિયાણા સુધી ફેલાયો છે. શ્રમિકો ગુસ્સામાં સંપત્તિને નુકસાન પહોંચાડે, તોડફોડ કરે એ અસ્વીકાર્ય છે. સંબંધિતો સાથે વાતચીત-ચર્ચાથી જ સમાધાન નીકળવું જોઇએ. હિંસક સંઘર્ષ આપણી કાયદો-વ્યવસ્થાની સ્થિતિની નિષ્ફળતા છતી કરે છે. દેશના પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લીધે રાજકીય માહોલ પરાકાષ્ટાએ છે, ત્યારે શ્રમિક આંદોલને ચોમેર ધ્યાન ખેંચ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર તીર છોડતાં કહ્યું છે કે, રાજ્ય સંભાળી નથી શકતા તો સિંહાસન ખાલી કરી દ્યો. અલબત્ત પ્રચંડ બહુમતીથી ચૂંટાયેલા યોગી અને તેમની ભાજપ સરકાર આવાં બયાનો તરફ ધ્યાન દે એમ નથી. શ્રમિકોનો રોષ-વિરોધ શાંત કરવાને પ્રાથમિકતા મળવી જોઇએ. નોયડા ઔદ્યોગિક શહેર બની રહ્યું છે, ત્યાંના શ્રમિકો હરિયાણામાં અપાતાં ધોરણે પગારવધારો માગી રહ્યા છે. હરિયાણા સરકારે ગઇ 10મી તારીખે જાહેરનામું પ્રસિદ્ધ કરીને ઔદ્યોગિક કામદારોના ન્યૂનતમ વેતનમાં 35 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેતાં કર્મચારીઓને ખાસ્સો ફાયદો થયો છે. નવાં ધોરણ પ્રમાણે અકુશળ કામદારોને મહિને  11274થી વધીને રૂા. 15220નું વેતન મળશે. કુશળ કર્મચારીઓ રૂા. 13 હજાર મહિનાને બદલે  રૂા. 18 હજાર મેળવશે અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મીઓ રૂા. 14 હજારને બદલે રૂા. 19 હજાર જેટલું વેતન મેળવશે. નોયડામાં ફેક્ટરીઓના દર તેનાથી ઓછા છે. કામદારોનો ઉગ્ર મિજાજ જોતાં ઉત્તરપ્રદેશ સરકારે કામદારો માટેના લઘુતમ વેતનમાં વૃદ્ધિની જાહેરાત કરી છે. એટલું જ નહીં, કર્મચારીઓની માગણી મુજબ ડબલ ઓવરટાઇમ અને બોનસનીય ખાતરી આપવામાં આવી છે, તેમ છતાં બીજા દિવસે આંદોલન શમ્યું નથી. પોલીસે સોમવારના તોફાનોના અનુસંધાને 300થી વધુની ધરપકડ કરીને 7 એફ.આઇ.આર. નોંધવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, કામદારોની લડતને હિંસક સ્વરૂપ આપવાનું કામ આયોજનબદ્ધ રીતે થયાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. સ્વાર્થી તત્ત્વોએ તકનો લાભ લઇને અશાંતિની આગ વધુ ભડકાવી હોવાની સંભાવના નકારી શકાય નહીં. ઉત્તરપ્રદેશ સરકારે કામદારોની માંગ સ્વીકારી લીધા પછી આંદોલન સમેટી લેવાવું જોઇએ. ટોળાંશાહીમાં પરિસ્થિતિ વણસતી હોય છે. સૌ પક્ષકારોએ સમજદારીથી કામ લેવું જોઇએ. 

Panchang

dd