• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

મુંદરામાં આઠ ઉમેદવારે ફોર્મ પાછાં ખેંચ્યાં

મુંદરા, તા. 15 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે સમગ્ર રાજ્ય સાથે મુંદરા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ચાર બેઠક, તાલુકા પંચાયત અને મુંદરા-બારોઇ નગરપાલિકાનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિ.પં., તા.પં., સુધરાઇ સહિત તાલુકામાંથી આજે કુલ આઠ ફોર્મ પાછાં ખેંચાયાં હતાં. - નગરપાલિકામાં 60 ઉમેદવાર : મુંદરા-બારોઇ નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠક માટે આજે આપ પક્ષના વોર્ડ નં. અને વોર્ડ નં. 6માંથી એમ કુલ બે ફોર્મ પાછાં ખેંચાયાં. હવે કુલ 60 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો યથાવત રહેતાં મુંદરા સુધરાઇનો સીધો જંગ રહેશે. - તા.પં.માં એક કોંગ્રેસ સહિત ત્રણ ઉમેદવારે ફોર્મ પાછાં ખેંચ્યાં : મુંદરા તા.પં.માં 18 બેઠકમાંથી હવે નવ બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસનો સીધો જંગ રહેશે, જ્યારે આઠ બેઠકો એવી છે  જેમાં આપ, બસપ કે અપક્ષની હાજરી છે, જ્યારે એક સાડાઉની બેઠક પર ચતુષ્કોણીય જંગ રહેશે.  ભદ્રેશ્વર, લાખાપર, મોટા કાંડાગરા, મોટી ભુજપુર, નાના કપાયા-2, રામાણિયા, ઝરપરા-1 અને ઝરપરા-2 બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જ મુકાબલો છે. - પોલીસ `બી' ટીમ જેવી : કોંગ્રેસ  : ફોર્મ પાછાં ખેંચવાના બુધવારે અંતિમ દિવસ પહેલાં પોલીસ તંત્રે જાણે ભાજપની `બી' ટીમ હોય એવું કામ કર્યું હોવાનો મુંદરા તાલુકા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે, તાલુકાના ત્રણેય પોલીસ મથક `બી' ટીમ જેવા રહ્યા. કોંગ્રેસને સરસાઇ મળી શકે તેવી બેઠકો પર અગાઉ ડમી-અપક્ષ ઉમેદવારોને ઊભા રાખવા વોટ્સએપ કોલથી બોલાવાયા હતા. જો કે, આધાર પુરાવા ન થયા.  આ પછી 112 નંબરની ગાડી કોંગ્રેસના ઉમેદવારના અપહરણની મંગળવારે જાણે રક્ષા પૂરી પાડતી હતી, જ્યાં કોંગ્રેસ જીતી જાય એવી છે, ત્યાં ફોર્મ પાછાં ખેંચવા દબાણ થયું. ઉમેદવારને નાણાંની ઓફર કરાઈ.  જો કે, કોંગ્રેસે મોટા કપાયા પર ડમી ઉમેદવાર તૈયાર કર્યા હોવાથી અપક્ષ ફોર્મ માન્ય રહ્યું. આમ મોટા કપાયા પર કમળ અને અપક્ષનો સીધો જંગ રહેશે. - અંજાર તા. પંમાં વીરા બેઠકમાં  કોંગ્રેસના ઉમેદવારે ફોમ પરત ખેંચતા ભાજપનું ખાતુ ખુલ્યું  : અંજાર તાલુકા પંચાયતમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે અનેક રાજકીય ઉલટફેર બાદ હવે 20 માંથી 19 બેઠકો પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ જાહેર થતા હવે બાકીની બેઠકો પર 48 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે.  ચૂંટણી પ્રક્રિયાના મહત્વના તબક્કે વીરા બેઠક પર મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો હતો. આ બેઠક પરથી કોંગ્રેસના  ઉમેદવાર હર્ષિતભાઈ આહિરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા, ભાજપના ઉમેદવાર સંદીપભાઈ ચાવડા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ જીત સાથે ભાજપે ચૂંટણી પહેલા જ પોતાનું ખાતું ખોલાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે અંજાર તાલુકા પંચાયત ની 20 માંથી વીરા ની એક માત્ર બેઠક માટે સંદીપભાઈ ચાવડા ને ભાજપ પક્ષ દ્વારા રીપીટ કરવામાં આવ્યા હતા, જેમાં તેઓ બિન હરીફ વિજેતા બન્યા છે, વિવિધ બેઠકો પરથી વિરોધી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે રાજકીય અગ્રણીઓ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી હતી. અનેક ઉમેદવારોને લાલચ અને દબાણ આપવામાં આવ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, તેમ છતાં મોટાભાગના ઉમેદવારો પોતાની મક્કમતા દાખવી ચૂંટણી મેદાનમાં અડીખમ રહ્યા હતા. - ચર્ચામાં રહેલા અબડાસામાં અંતે ચિત્ર સ્પષ્ટ : નલિયા, તા. 15 : અબડાસા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો જંગ હવે બરાબરનો જામી ગયો છે. ઉમેદવારીપત્રોની ચકાસણી અને એ પછી ખેંચતાણના નાટયાત્મક દૃશ્યો બાદ રાજકીય ચિત્ર એકદમ સ્પષ્ટ થઇ ગયું છે. તાલુકા પંચાયતની કુલ 18 બેઠક પર હવે 54 ઉમેદવાર મેદાનમાં છે, તો જિલ્લા પંચાયતની 3 બેઠક માટે પણ 12 દાવેદાર વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. - કોણે પાછી ખેંચી દાવેદારી ? : આ વખતની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે જેમાં ખાસ કરીને અપક્ષ, આમ આદમી પક્ષના ઉમેદવારો ખસી જતાં અમુક બેઠકો પર સમીકરણો બદલાયા છે અને હવે મેદાનમાં રહેલા ઉમેદવારો વચ્ચેનો મુકાબલો વધુ રોમાંચક બનશે. 

Panchang

dd