• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

લખનઉ સામે બેંગ્લુરુનો 5 વિકેટે વિજય

બેંગ્લુરુતા. 15 : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની બુધવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી 23મી મેચમાં ગત સિઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં આરસીબીએ લખનઉ સુપરજાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ આરસીબી પોઈન્ટ ટેબલ પર ટોચ પર પહોંચી ગઈ છે. 147 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી આરસીબી વતી વિરાટ કોહલીએ 34 દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 49 રન બનાવ્યા હતા. કેપ્ટન રજત પાટીદારે 13 દડામાં 1 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 27 રન અને જીતેશ શર્માએ 23 રનનું યોગદાન આપ્યું હતું. ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે 14-14 રન બનાવી અણનમ રહ્યા હતા. પ્રિન્સ યાદવે 3 ઓવરમાં 32 રન આપી 3 વિકેટ, જ્યારે આવેશ ખાને 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ લીધી હતી. અગાઉ વર્તમાન આઇપીએલ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની શાનદાર બોલિંગ અને ચુસ્ત ફિલ્ડિંગ સામે લખનઉ સુપર જાયન્ટસ ટીમ 20 ઓવરમાં 146 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. આરસીબી તરફથી મિડિયમ પેસર રસિખ સલામે 4 ઓવરમાં 24 રનમાં સર્વાધિક 4 વિકેટ લીધી હતી, જ્યારે અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને 27 રનમાં 3 વિકેટ મળી હતી. સ્પિનર કુણાલ પંડયાએ 2 અને જોશ હેઝલવૂડે 1 વિકેટ લીધી હતી. લખનઉ તરફથી સર્વાધિક 40 રન ઓપનર મિચેલ માર્શે 32 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાની મદદથી કર્યાં હતા. કપ્તાન રિષભ પંત 3 દડાનો સામનો કરી રિટાયર્ડ હર્ટ થયો હતો. આ પછી સાતમા ક્રમે બેટિંગમાં આવી 1 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. નિકોલસ પૂરન (1)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. માર્કરમ 7 રન જ કરી શકયો હતો. આયુષ બડોનીએ 24 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 38 રનનો ચમકારો કર્યો હતો. નવા પિંચ હિટર મુકુંદ ચૌધરીએ 28 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી ઝડપી 39 રન કરી લખનઉનો સ્કોર 146 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયો હતો. પાવરપ્લેમાં 1 વિકેટે 3પ રન કરનાર લખનઉની ઈનિંગ્સમાં 6 છગ્ગા અને 11 ચોગ્ગા લાગ્યા હતા. 

Panchang

dd