પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકીય વાતાવરણ તો લાવાની સ્થિતિમાં આવી
જ રહ્યું છે, તેમાંય 34,35,174 મતદારને મતદાનનો વચગાળાનો અધિકાર આપવાની સર્વોચ્ચ અદાલતે ઘસીને
ના પાડી દીધી છે. મતદારયાદી સુધારણાની કાર્યવાહી પછી અનેક પ્રશ્ન અને વિવાદ ઊભા થયા
છે. કોર્ટે જેમને મતાધિકારનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો છે, તેમની આ અંગેની અરજીઓ હજી કોર્ટની વિચારણાને
આધીન છે. રાજ્યની ચૂંટણી પ્રક્રિયાના વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આ ચુકાદો મહત્ત્વનો સાબિત
થશે. લોકતાંત્રિક મૂલ્યો સામે પ્રશ્નાર્થ ઊભા થશે અને ચૂંટણી પ્રક્રિયા સામે અસંતોષ
વધશે. અલબત્ત, એ ભૂલવું જોઈએ નહીં કે, દેશમાં
એસઆઈઆરની કાર્યવાહી બનાવટી મતદારો, ઘૂસણખોરો, મૃત મતદારો વગેરેનાં નામ કાઢીને લોકશાહીના મૂળિયાં મજબૂત કરવા માટે જ કરાઈ
હતી, તેવું વારંવાર સરકારે સ્પષ્ટ કર્યું છે. ચૂંટણીપંચે પણ આ
કાર્યવાહી સામે ઉઠેલા પ્રશ્નોના વખતોવખત જવાબ આપ્યા છે, છતાં
ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ ધર્મ કે જ્ઞાતિના નામ બાદ થતા હોવાનો હોબાળો થતો રહે છે.
એસઆઈઆરની કાર્યવાહી દરમિયાન બંગાળમાં 90 લાખ 66 હજાર નામ
હટાવવામાં આવ્યાં હતાં, તેમાંથી આ
34 લાખથી વધારે મતદાતાએ એવી અરજી
કરી હતી કે આ કાર્યવાહી થશે, ચકાસણી
થશે ત્યાં સુધીમાં તો ચૂંટણી સંપન્ન થઈ જશે. 11 એપ્રિલે મતદાતાયાદીમાંથી નામો
હટાવવા સામે અપીલ કરવામાં આવી હતી. કોર્ટ કહે
છે કે, જ્યાં સુધી આ મતદારોની અધિકૃતતા અનિર્ણિત છે
ત્યાં સુધી આ હક્ક આપી શકાય નહીં, 23મી એપ્રિલે તો મતદાન છે. જે ન્યાયાધીશો આ અપીલની સુનાવણી કરે
છે, તેમના ઉપર અધિક બોજ આવે તેવું અમે કરી શકીએ
નહીં. પ્રત્યેક ન્યાયાધિકરણ એક-એક લાખ અરજીની સુનાવણી કરી રહ્યું છે. મતાધિકાર સંવૈધાનિક
અને લોકતાંત્રિક ભાગીદારી માટે અગત્યનો છે, પરંતુ જ્યારે આટલા
બધા મતદાતાનાં નામ કમી થયાં હોય ત્યારે તેઓની અરજીને ધ્યાને રાખીને આટલી મોટી ચૂંટણી
રોકી ન શકાય તેવું પણ અદાલતે કહ્યું છે. દ્વિધા તો બહુ મોટી છે. એક તરફ બેવડાયેલાં
નામ, અનઅધિકૃત મતદાર વગેરે દૂર થવું જોઈએ બીજી તરફ યોગ્ય દસ્તાવેજ
કે પ્રશાસનિક ખામીને લીધે મતાધિકાર કોઈને મળે નહીં તે પણ પ્રશ્ન છે. મતદારયાદી માટે
શંકા ઊભી થાય ત્યારે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા સામે ચોક્કસ પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ
જાય તેમાં પણ બંગાળ જેવા સંવેદનશીલ રાજ્યમાં તો રાજકીય તણાવ વધે તેમાં શંકા નથી. સર્વોચ્ચ
અદાલતનો અભિગમ જો કે, કાનૂની દાયરાનો જ હોય, પરંતુ સામાજિક અને રાજકીય અસરો અલગ મુદ્દા છે. એસઆઈઆર સુરક્ષિત અને સચોટ ચૂંટણી
માટે કરાયું છે, તેની સામે પણ પ્રશ્ન એ જ ઊભો થાય છે. કોઈ પણ
રીતે લોકશાહી મૂલ્યોની જાળવણી અનિવાર્ય છે.